ગોપાલ મહેતા: માંડલ તાલુકાના શેર ગામના ખેડૂત ભાઈલાલભાઈ ઉકાભાઇ પટેલે પોતાની કોઠાસૂઝથી પાણી જમીનમાં ઉતારવા માટેની એક પદ્ધતિ પોતાના ખેતરમાં અપનાવી છે. આ પદ્ધતિથી તેઓ હજારો લિટર પાણીનો સંગ્રહ કરે છે અને એ જ પાણીનો ઉપયોગ આખા વર્ષ દરમ્યાન ખેતીમાં તેમજ વાવણીમાં કરે છે. આ પદ્ધતિના ઉપયોગ થઈ 2016થી અત્યાર સુધીમાં ચણા, એરંડા, કપાસ જેવા અનેક પાકો પોતાના ખેતરમાં વાવ્યા છે.
આ અંગે વાત કરતા ખેડૂત ભાઇલાલભાઇએ કહ્યું કે, એક ખેડૂત હંમેશાં ખેતી માટે પાણી પર નિર્ભર હોય છે. ક્યારેક સારો વરસાદ પડે તો ખેડૂત સારો પાક લઇ શકે છે અને વરસાદ સારો ન પડે તો અનેક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે. આપણે જોયું છે કે વરસાદી પાણી ખેતરોમાંથી વહી જતું હોય છે અને મોટાભાગનું પાણી વેડફાઇ જતું હોય છે. આ વેડફાઇ જતાં પાણીનો સદઉપયોગ કરીને તેનો ખેતીમાં ઉપયોગ કર્યો છે. મેં વર્ષ 2016માં માત્ર રૂપિયા 5000ના ખર્ચે આ પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો હતો. આ પદ્ધતિ અપનાવવા માટે મેં મારા 10 વીધા ખેતરમાં સૌથી નીચો ભાગ એટલે પાણી જ્યાં ભરાઇ રહે એવો ભાગ શોધ્યો. ખેતરના આ ભાગમાં મેં 55 ફૂટ જેટલું ઊડો બોર પાડ્યો અને તેમાં 55 ફૂટની પાઇપ ઉતારી છે. આને કારણે મારા ખેતરનું પાણી ખેતરની જમીનમાં જ નીચે ઊતર્યું. આજે આ પદ્ધતિનો મને એટલો મોટો ફાયદો મળી રહ્યો છે કે વરસાદી પાણી સીધે-સીધુ આ પાઇપ મારફતે જમીનમાં ઊતરી જાય છે. અને હજારો લીટર પાણીનો સંગ્રહ મારા ખેતરમાં જ થઇ રહ્યો છે.
આ પદ્ધતિથી કેવા લાભો થઇ રહ્યા છે તેની વાત કરતા ભાઇલાલભાઇ ઉમેરે છે કે, આજે આ પદ્ધતિના ઉપયોગ થકી જે પાણી પાઇપ મારફતે સીધે-સીધુ ખેતરમાં ઊતરી જાય છે તેના કારણે મારી 10 વીધાની જમીનમાં ભેજ જળવાઈ રહે છે. આજે મારે ખેતી માટે પાણી શોંધવા ક્યાંક જવું પડતું નથી. મેં આ પાઇપના હોલિયાની (હોલ) બાજુમાં એક મોટર મૂકી દીધી છે. જેનાથી જે પાણીનો સંગ્રહ જમીનમાં થયો છે એ જ પાણી જમીનમાંથી ખેંચીને ખેતરના વાવાણી સમયે તેમજ ખેતીના સમયમાં પાણી પીવડાવવાના હોય ત્યારે પણ આ જ પાણીનો ઉપયોગ કરું છું. આ પદ્ધતિના ઉપયોગ થકી 2016થી અત્યાર સુધીમાં ચણા, એરંડા, કપાસ જેવા અનેક પાકો ખેતરમાં લીધા છે. એટલું જ નહીં, આજ વર્ષે 2022માં મેં 90 મણ ચણાનો પાક પણ આ પદ્ધતિથી લીધો છે. આજે આ પદ્ધતિ મારી આસપાસના ખેતરના અનેક ખેડૂતોએ અપનાવી છે.
શું છે હોલિયુ પદ્ધતિ
-જમીનથી અંદર કુત્રીમ કોતર ઊભી કરવામાં આવે છે.
– ત્યારબાદ તેમાં એક પાઇપ કોતરમાં ઉતારવામાં આવે છે
– જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે
– આજ જ પાણીનો જરૂરિયાત સમયે ખેતી માટે ઉપયોગ થાય છે