હેડ ક્લાર્કના પેપર લીક કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધુ બે આરોપીને ઝડપી લઇ 23 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. મળતી જાણકારી અનુસાર, ગુજરાતમાં ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે શુક્રવારે 11 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી, જે પૈકી ગઈકાલે 6 આરોપીની અટકાયત કરાઈ હતી. હવે વધુ બે આરોપીની ધરપકડ કરી 23 લાખ જેટલી રકમ પોલીસે જપ્ત કર્યા છે.
આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પેપર લીક કૌભાંડ અંતર્ગત કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં તેમજ તમામ સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. આ મામલે કોઈ સરકારી કર્મચારી, કોઈ રાજકીય વ્યક્તિઓ સંડોવાયેલી છે કે કેમ એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. પેપર 10થી 15 લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવી પ્રાંતિજ, હિંમતનગર અને વીસનગરમાં પેપર સોલ્વ કરવાની તેમજ અહીંથી પરીક્ષાર્થીઓને તેમનાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી, એમ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.