કાશ્મીરના ગુલમર્ગમાં તાપમાન માઇનસ 10 ડિગ્રી નીચે ગગડી જવાની સાથે ઉત્તર ભારતમાં શીત લહેરની સ્થિતિ વધુ આકરી બની છે. આવા સમયે હવામાન વિભાગે ગુજરાત, ઉત્તર ભારત સહિતના વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસ સુધીમાં કાતિલ શીત લહેરની આગાહી કરી છે.
આ વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસમાં પારો સરેરાશ કરતા બેથી ચાર ડિગ્રી સુધી ઘટી શકે છે. મધ્ય ભારત અને પૂર્વ ભારતમાં પણ આગામી બે દિવસમાં શીત લહેરની અસર જોવા મળશે. ગુજરાતમાં નલિયા 3.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યુ હતુ. ઓરિસ્સાના કાશ્મીર ગણાતા દરિયાબાડીમાં પણ તાપમાન ઘટીને 7 ડિગ્રી થયુ હતુ.
તમિલનાડુ સહિત દક્ષિણ ભારતમાં હળવા વરસાદની સંભાવના છે. પૂર્વોત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ છવાશે. દિલ્હીમાં ઠંડી વધવાની સાથે હવાની ગુણવત્તા સતત ચોથા દિવસે અતિ ખરાબ રહી હતી.
હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસમાં જમ્મુ, કાશ્મીર-લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા વરસાદ અથવા હિમવર્ષાની સંભાવના છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે. તામિલનાડુ-પુડુચેરી-કરાઈકાલ, અંદામાન અને નિકોબાર ટાપુઓ, કેરળ-માહેના છુટાછવાયા વિસ્તારોમાં આગામી પાંચ દિવસમાં વરસાદની પણ સંભાવનાઓ છે. હિન્દ મહાસાગરમાં પવન પ્રતિ કલાક ૪૦-૫૦ કિ.મી.થી ૬૦ કિ.મી. સુધીની ઝડપે ફુંકાઈ શકે છે. હવામાન વિભાગે ઉત્તર ભારત, રાજસ્થાન, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સવારના સમયમાં લોકોએ ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડી શકે છે.