ઉત્તર બંગાળના જલપાઇગુડીના મયનાગુડીમાં બીકાનેર એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન દૂર્ઘટનામાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દૂર્ઘટનામાં મૃતકોનો આંકડો વધી શકે છે.
ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન બીકાનેરથી ગુવાહાટી જઇ રહી હતી. આ વચ્ચે મેનાગુડી પાર કરતા આ દૂર્ઘટના થઇ હતી. સૂચના મળતા જ રેલ્વે પોલીસ તંત્ર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત બચાવ કાર્ય શરૂ કર્યુ હતુ. દૂર્ઘટનાના શિકાર લોકોને ટ્રેનની બોગીમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ સ્થાનિક હૉસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.
આ ઘટના ગુરૂવાર સાંજે 5.15 વાગ્યે બની હતી. મુસાફર ભરેલા 4 ડબ્બા પલટી ખાઇ ગયા હતા. જેમાંથી એક ડબ્બો પાણીમાં ઉતરી ગયો હતો.
ટ્રેન દૂર્ઘટનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે વાત કરી છે. મહત્વપૂર્ણ છે કે સીએમ મમતા બેનરજી કોવિડ-19ની સ્થિતિને લઇને ઉભી થયેલી પરિસ્થિતિ પર આયોજિત મીટિંગમાં પીએમ મોદી સાથે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા જોડાઇ હતી. દૂર્ઘટનામાં પ્રભાવિત લોકોની જાણકારી મેળવવા માટે તંત્રએ બે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. 03612731622 અને 03612731623 આ બે નંબર પર ફોન કરીને જાણકારી મેળવી શકાય છે.