સુરતઃ સુરત સચિન GIDCમાં કેમિકલ ભરેલુ ટેન્કર લીક થતા 6 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ મજૂરો-કારીગરો ગૂંગળાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 6 જાન્યુઆરીએ સવારે 4.25 કલાકે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે સચિન જીઆઇડીસીના નોટીફાઇડટ વિસ્તાર રોડ નંબર 4, રાજ કમલ ચોકડી ખાતે 1 ટેન્કર દ્વારા ગેરકાયદેસર રીતે ટોક્ષિક કેમિકલ ખાડીમાં ડીલ્ચાર્જ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન કેમિકલનું ટોક્ષિક ગેસ આજુબાજુના વિસ્તારમાં પ્રસરી ગયેલ. જેમાં નજીકમાં આવેલ વિશ્વ પ્રેમ ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મીલના અને તેની આસપાસના 26 મજુર કારીગરોને આ ટોક્ષિક ગેસની અસર થતા બેભાન થઇ ગયા હતા. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે આવતા તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે સમગ્ર મામલે માનવ વધનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.સંદીપ ગુપ્તા, પ્રેમ ગુપ્તા, પ્રકાશ મારવાડી સહિત આઠથી 10 લોકોની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુપ્તા બંધુઓ ભૂગર્ભમાં જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે.
ઘટના ની પરિસ્થિતિ જોતા ફાયર વિભાગ ના ચીફ ફાયર ઓફિસર અને અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા. ફાયર વિભાગની ટીમ દ્વારા બી.એ.સેટ પહેરીને ટેન્કરનો લીક્જ થયેલ વાલ્વ ને ફ્લાંજ લગાવી બંધ કરી દીધેલ અને ખાડીમાં ઢોળાયેલ કેમિકલને પાણી મારો ચલાવી ડાયલ્યુટ કરવામાં આવેલ હતું. હાલમાં પરીસ્થિત કાબુમાં છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પહેલા ઝડપથી સારવાર ચાલી રહી છે. એ પ્રાથમિકતા છે. ત્યાર બાદ જે જરૂર હશે, એ કરવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા બે-ત્રણ ટીમ બનાવી તપાસ કરાઈ રહી છે. ટેન્કરનો ડ્રાઈવર હાલ બેભાન છે, પણ ભાનમાં આવી જશે એવી શક્યતા છે. ટેન્કરમાં જે કેમિકલ હતું એ થોડું હેવી હશે, કેમ કે, પહેલા માળ સુધી અસર થઈ હશે, જોકે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.