ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે. ભારતીય ટીમમાં જે ખેલાડી પસંદ થયા છે તેમાંથી 7 એવા ખેલાડી છે, જે પ્રથમ વખત સાઉથ આફ્રિકાની ધરતી પર રમશે.
આ ખેલાડીમાં 5 ખેલાડી એવા છે જેમણે આ શ્રેણીથી પહેલા ખુદને સાબિત કર્યા છે અને હવે પ્રથમ વખત આફ્રિકાની ધરતી પર કમાલ કરવા તૈયાર છે.
જોકે, કોચ દ્રવિડ જેવા દિગ્ગજ બેટ્સમેન માટે પણ આફ્રિકન ધરતી પર રમવુ મુશ્કેલ રહ્યુ છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને આ ઇન ફોર્મ યંગ બ્રિગેડથી ઘણી આશા છે.
રિષભ પંત
પોતાની બેટિંગથી ગાબામાં ઓસ્ટ્રેલિયાનું ઘમંડ તોડનારા રિષભ પંત દક્ષિણ આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ મેચ રમવાનો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર સિડનીમાં 97 અને ગાબા ટેસ્ટમાં 89 રનની અણનમ ઇનિંગ્સ રમનારા આ ખેલાડી પાસેથી વિરાટ કોહલીને ઘણી આશા હશે.
શાર્દુલ ઠાકુર
રવિન્દ્ર જાડેજા ઇજાને કારણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસેથી બહાર થઇ ગયો છે. એવામાં શાર્દુલ ઠાકુર ટીમ માટે મહત્વનો ખેલાડી સાબિત થઇ શકે છે.
શાર્દુલ ઠાકુર પ્રથમ ટેસ્ટમાં રમે છે તો આફ્રિકાની ધરતી પર આ તેની પ્રથમ ટેસ્ટ મેચ હશે. ઠાકુરે અત્યાર સુધી ભારત માટે 4 ટેસ્ટ મેચ રમી છે અને તેના નામે 14 વિકેટ અને 190 રન દર્જ છે.
મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની પિચ પર પોતાની ખતરનાક બોલિંગથી પરેશાન કરનારા ટીમ ઇન્ડિયાના નવા સનસની મોહમ્મદ સિરાજ પણ દક્ષિણ આફ્રિકાની સરજમી પર પ્રથમ ટેસ્ટ સિરીઝ રમશે.
10 મેચમાં 33 વિકેટ લઇ ચુકેલા હૈદરાબાદના આ બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી સાથે મળીને કોઇ પણ બેટિંગ ક્રમને ધરાશાયી કરી શકે છે.
મયંક અગ્રવાલ
દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 2019-20ની ઘરેલુ શ્રેણીમાં કમાલની બેટિંગ કરનારા ભારતના ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલ આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત રમતો જોવા મળશે.
ઘરેલુ શ્રેણીમાં મયંક અગ્રવાલે 3 મેચમાં 340 રન બનાવ્યા હતા. આ દરમિયાન આ ખેલાડીની એવરેજ 85.00ની હતી, તેમણે શ્રેણીમાં એક બેવડી સદી પણ ફટકારી હતી, તેનો બેસ્ટ સ્કોર 215 રન હતો.
શ્રેયસ અય્યર
તાજેતરમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ડેબ્યૂ સાથે પોતાના બેટથી કમાલ કરનારા શ્રેયસ અય્યરનો આ પ્રથમ આફ્રિકાનો પ્રવાસ હશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુર ટેસ્ટમાં ડેબ્યૂ કરનારા શ્રેયસ અય્યરે 157 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી હતી.
તે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતનો 16મો અને વિશ્વનો 112મો ખેલાડી બન્યો હતો.
ભારતે 29 વર્ષથી દક્ષિણ આફ્રિકામાં કોઇ ટેસ્ટ સિરીઝ જીતી નથી. એવામાં આ પ્રવાસ કોહલીની ટોળી માટે મહત્વનો સાબિત થઇ શકે છે.