દેશ અને દુનિયામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો તોડાઇ રહ્યો છે, દેશમાં બેથી વધુ કેસ નોંધાયઇ ચુક્યા છે, ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટે દસ્તક દીધી છે. ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનનો નવો શંકાસ્પદ કેસ મળ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.
જામનગરમાં ઓમિક્રોન વેરિએન્ટનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે, જ્યાં આ જીવલેણ વેરિએન્ટથી સંક્રમિતોની સંખ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. આજ કારણે વિશ્વના અનેક દેશોએ આફ્રિકાની ફ્લાઈટો પર રોક લગાવી દીધી છે. હાલ તો જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ જાહેર થયેલા આ ઓમિક્રોન વેરિએન્ટની સંક્રમિત શંકાસ્પદ દર્દીના સેમ્પલ ટેસ્ટિંગ માટે પૂણે લેબમાં મોકલી દેવામાં આવ્યા છે. જામનગરમાં ઓમિક્રોનનો શંકાસ્પદ દર્દી સામે આવતાં જ વહિવટી તંત્ર અને આરોગ્યતંત્રના અધિકારીઓ દોડતા થઇ ગયા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આજે વધુ એક દર્દીએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. નવા નોંધાયેલા કેસો પૈકી સૌથી વધુ 15 કેસ માત્ર અમદાવાદમાં સામે આવ્યા છે. જો કે આજે નવા દર્દીઓની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા ઘટી છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 24 દર્દીઓ જ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે.