નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મથુરામાં છ વર્ષની બાળકી પર ૧૬ વર્ષની સગીર વયે બળાત્કાર કરનારાને દોષિતને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી. પોસ્કો એક્ટ હેઠળ સ્થપાયેલી સ્પેશ્યલ કોર્ટના વડા એડિશનલ સેશન્સ જજ અમરસિંહે શૈલેન્દ્ર ઉર્ફે શૈલુને આ સજા ફટકારી હતી.ન્યાયાધીશે આ ચુકાદા માટે આરોપીને પુખ્ત ગણીને જ તેના પર કેસ ચલાવ્યો હતો. એએસજે સિંઘે આરોપીને જુવેનાઇલના કાયદામાં સંશોધન મુજબ પુખ્ત ગણ્યો હતો અને તેના પર બાળકી પર બળાત્કાર અને અકુદરતી કૃત્ય કરવાનો દોષિત ઠેરવ્યો હતો. આરોપીને 20 વર્ષની સજા ફટકારવા દરમિયાન 1.25 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. આ ઉપરાંત જો આરોપી વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો સરકારને આ દંડ ચૂકવવા કહેવાયું હતું. બાળકીની માતાનો આરોપ હતો કે શૈલુ બાળકીને લોભાવીને બની રહેલા બિલ્ડિંગમાં લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર કર્યો હતો.
ન્યાયાધીશે પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ હેઠળ ૨૦ વર્ષની સજા ફટકારી છે. સામાન્ય રીતે સગીર ગુનેગાર દ્વારા ગુનો કરવામાં આવ્યો હોય તો તેને ત્રણ વર્ષથી વધારે સજા કરવામાં આવતી નથી. પણ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની ભલામણોના આધારે કોર્ટે તેને પુખ્ત ગણીને જ તેના પર કેસ ચલાવ્યો હતો.