ઓનલાઇન ખરીદી તમને ક્યારે મોંઘી પડી શકે છે, આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવતીએ ઓનલાઇન ઇંગ્લીશ ડોગ ખરીદવાનું મોંઘુ પડ્યું હતું. યુવતીએ પોતાને ગમતુ ડોગ ઓનલાઇન સાઇટ પરથી ઓર્ડર તો કર્યું પરંતુ ઓર્ડર કર્યાબાદ તેની સાથે જે થયું એ યુવતી સ્વપ્ને પણ વિચાર્યું નહીં હોય. કેમ કે 13 હજાર રૂપિયામાં વિદેશી બ્રિડનું નાનું ડોગ યુવતીને 8.26 લાખ માં પડ્યું હતું.
સુરતના સીટીલાઇટ બી.જે. પાર્ક સોસાયટીમાં રહેતી 26 વર્ષીય યુવતિ વિશ્વકર્મા અડાજણની કેસ પોઇન્ટ પ્રા.લિ.માં નોકરી કરે છે. ગત 7મી મેના રોજ યુવતી ‘ક્લીક ડોટ ઇન’ નામની વેબસાઇટ ડોગ બ્રિડ વેચતી વેબસાઇટ ખુલી હતી. તેમાં સર્ચ દરમ્યાન ગોલ્ડન રિટ્રાઇવર બ્રિડનું ગલુડીયું 13 હજારમાં વેચવા મૂક્યું હોઇ તે પસંદ આવતાં તેનો ઓર્ડર કરી ઓનલાઇન એક એકાઉન્ટમાં ચૂકવી પણ દીધા હતા.
શ્વાન ખરીદવાની ખુશી જોકે આ યુવતી માટે એક દુઃસ્વપ્ન બની ગઇ હતી. ચૂકવણીના બીજાં દિવસે આ યુવતીને આર.કે. વર્મા નામના શખ્સનો ફોન આવ્યો હતો. પેટ કાર્ગોમાં લોડ થઇ ગયો હોવાનું અને 19 હજાર ટ્રાન્સપોર્ટ ફી માગી હતી. ત્રીજાં દિવસે ત્રીજી વ્યક્તિએ બ્રિડ લાયસન્સ માટે 29,100 ત્યારબાદ ક્વોરેન્ટાઇન ચાર્જ તરીકે 89,100 એમ વિવિધ ચાર્જીસને નામે નાણાં માગતા રહ્યા હતા. કેટલીક વખત તો નાણાં અલગ અલગ નહિ સામટા જમા કરવાના તથા રિફન્ડ મળી જશે તેમ કહીને વારંવાર નાણાં માંગવામાં આવ્યા હતા.
છેવટે આ યુવતીનું આખી બચત વપરાઇ ગઇ હતી. 13 હજારનું વિદેશી ગલુડીયું ખરીદવાના ચક્કરમાં યુવતીએ 8.62 લાખ રૂપિયા ખર્ચી નાંખવા છતાં પણ તે નહિ મળતાં યુવતીને પોતાની સાથે થઇ રહેલી છેતરપીંડીંનો ખ્યાલ આવતાં તેણે સુરત સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધવાની સાથે આ વેબસાઇટ ક્યાંથી ઓપરેટ થતી હતી અને તેની સાથે કોણ કોણ સંકળાયેલા છે તેને લઇને તપાસ હાથ ધરી છે.