ગુજરાતીમાં એક કહેવત છે કે સિંહના ટોળા ના હોય પણ અમરેલી જિલ્લાના રાજુલા-ખાંભા રોડ પર એક સાથે 17 સિંહના ટોળાનો વીડિયો વાયરલ થયો છે.
ગીર જંગલ વિસ્તારમાં સામાન્ય રીતે એક સાથે પાંચથી છ સિંહનું ટોળું જ જોવા મળતુ હોય છે પરંતુ અમરેલી જિલ્લામાં શિયાળામાં ઠંડી વધતા અવાર નવાર સિંહ જંગલમાંથી રસ્તા પર આવી જતા હોય છે. રાજુલા-ખાંભા સ્ટેટ હાઇવે પર એક સાથે 17 સિંહનો પરિવાર લટાર મારવા માટે નીકળ્યો હતો. શિયાળામાં સિંહને ભૂખ વધારે લાગતી હોય છે જેને કારણે સિંહ અવાર નવાર જંગલમાં ખોરાક ના મળતા ગામ તરફ આવી જતો હોય છે. ગીર જંગલમાં પણ આ રીતે જ 17 સિંહનું ટોળું પોતાના ભોજનની રાહમાં રસ્તા પર આવી ગયુ હતુ. સિંહના ટોળાનો આ વીડિયો કોઇએ કેપ્ચર કરી લીધો હતો.
ભાગ્યે જ ગીરના જંગલ વિસ્તારમાં આ રીતે એક સાથે સિંહનું ટોળું રસ્તા પર જોવા મળે છે. આ અદભૂત નજારાને કોઇએ કેપ્ચર કરી લીધો હતો અને જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પહેલા પણ તુલસીશ્યામ રેન્જમાં સિંહનું ટોળું એક સાથે લટાર મારતુ જોવા મળ્યુ હતુ. ગીર જંગલમાં આ પ્રકારનું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળતું હોય છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે સિંહ રક્ષિત વિસ્તાર સિવાયના વિસ્તારમાં પણ જોવા મળે છે. ગીર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરાના બનાવોમાં પણ વધારો થયો છે.