ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરમાં 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું રસોડું બની રહ્યું છે. આ ભોજનાલયમાં એક લાખે 5 હજારથી પણ વધારે ભક્તો પ્રસાદ લઇ શકશે, આની માટે હાલમાં સાળંગપુરમાં કામ જોરશોરથી ચાલી રહ્યું છે. એકદમ હાઇટેક ભોજનાલય બનાવવા માટે દિવસના 300થી પણ વધારે મજદૂરો દિવસ-રાત કામ કરી રહ્યા છે. એક એવો પણ અંદાજ છે કે સાળંગપુરમાં જે રસોડું બની રહ્યું છે એ પંજાબના અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં ચાલતા રસોડા કરતાં પણ મોટું હશે.
ઉલ્લેખનીય છે કે સાળંગપુર મંદિરમાં કષ્ટભજન હનુમાનજી દાદાના દર્શને લાખો ભક્તો આવતા હોય છે, જેમાં દેશ-વિદેશથી ભક્તોનો પણ સમાવેશ થાય છે. અહિંયા આવતા હરીભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા મંદિર વિભાગ દ્વારા કરવામાં આવે છે. હાલ ખૂબ જ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન અને પ્રસાદ માટે આવતા હોય છે. જેને લઈ ભોજનાલયમાં લોકોને લાઈનમાં ઉભું રહેવું પડે છે ત્યારે ભક્તોને લાઈનમાં ઉભું ના રહેવું પડે અને એક સાથે હજારો લોકો પ્રસાદ લઈ શકે તેવા હેતુ સાથે મંદિર વિભાગ દ્વારા 7 એકરમાં રૂપિયા 35 થી 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય બનાવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. આ હાઈટેક ભોજનાલાયમાં એક સાથે 5 હજાર જેટલા લોકો પ્રસાદ લઈ શકશે અને શ્રદ્ધાળુઓને લાઈનમાં ઉભા પણ રહેવું પડશે નહીં.
આ હાઈટેક કિચનમાં અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. જેથી આ માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામા આવનાર છે. રસોઈ બનાવવા માટે ઓઈલ બેસ્ડ ટેકનોલોજીનો ઉપયોગ થશે. ઓઈલ બેઝડ રસોઈ તૈયાર કરવા માટે કિચનની બહાર એક ઓઈલ ટેન્ક હોય છે, જેની અંદર ભરેલું ઓઈલ ખાસ પ્રક્રિયા દ્વારા નક્કી કરેલા ટેમ્પરેચર સુધી ગરમ થાય છે. ત્યારબાદ ઓઈલ કિચનમાં આવે છે જે ડબલ લેયરના ફિક્સ વાસણોની વચ્ચે અંદરની સાઈડ ફરતું રહે છે એને લીધે વાસણની ઉપરની સપાટી ગરમ થાય છે. જેમાં કોઈ અગ્નિ કે ઈલેક્ટ્રિસિટી વગર રસોઈ સરળતાથી તૈયાર કરી શકાશે.