અમરેલી જિલ્લાના ધારી, રાજુલા, સાવરકુંડલાના રહેણાક વિસ્તારમાં સિંહ પરિવારના આંટાફેરા સામાન્ય બન્યા છે. સાવરકુંડલા રેન્જમાં એક વાડી વિસ્તારમાં ખાટલા પર આરામ ફરમાવતા ચાર બાળસિંહની મનમોહક તસવીરો સામે આવી છે. ગીર જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેતા ફોરેસ્ટર દ્વારા જ આ તસવીર કેમેરામાં કેદ કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા રેન્જ વિસ્તારમાં આવેલી એક ખેડૂતની વાડીમાં ખુલ્લામાં પડેલા ખાટલા પર ત્રણ બાળસિંહ અને એક ખાટલા નીચે આરામ ફરમાવતા જોવા મળી રહ્યાં છે. ચારેય બાળસિંહને જાણે ઠંડી લાગતી હોય અને એનાથી બચવા ખાટલાનો સહારો લીધો હોય એમ લાગી રહ્યું છે.
આ તસવીરો સાવરકુંડલા રેન્જના ફોરેસ્ટ યાસિન જુણેજાએ પોતાના કેમેરામાં ખેંચી હતી. તસવીરમાં આસપાસ ક્યાંય સિંહણ જોવા મળતી નથી. ફોરેસ્ટ દ્વારા લેવામા આવેલી આ તસવીરો હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે.