વલસાડ જિલ્લાના વાપીમાં હત્યાથી ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા છે. મૃતક અને આરોપીના પરિવારો વચ્ચે ઉત્તરપ્રદેશમાં ઝઘડો થયા બાદ તેનો ખાર રાખી ગુજરાતના વાપીમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વાપીના ડુંગરા ખાતે હરિયા પાર્કની સામે બિલ્ડિંગમાં રહેતો ઇન્તેઝાર શેખ ઉર્ફે સલમાન જીઆઇડીસીના ટ્રાન્સપોર્ટમાં ગાડી લગાવવાનો ધંધો કરતો હતો. શનિવારે સાંજે તે જીઆઇડીસી સ્થિત જનતા હોટેલની બાજુમાં આવેલ બોસ્ટન નામની ચાની દુકાન ઉપર હતો ત્યારે એક ઇસમે કુહાડીથી તેના માથાના ભાગે જોરથી ફટકો મારી તેની હત્યા કરી દીધી હતી. આ ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. હત્યારો હત્યા કર્યા બાદ બાઇક પર બેસી ફરાર થઇ ગયો હતો.
મૃતક સલમાન વાપીમાં પત્ની અને ત્રણ સંતાનો સાથે રહેતો હતો. મુળ યુપીના બહરાઇચ જિલ્લાનો સલમાન વાપી નગરપાલિકાના માજી નગર સેવક બબલુભાઈનો કૌટુંબિક ભત્રીજો હોવાનું બહાર આવ્યું છે.