પાટણ શહેરમાં વેરાઈ ચકલા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નવીન ભૂગર્ભ ગટરની પાઈપ લાઈન નાંખવાની કામગીરી માટે અડધો રોડ ખોદી નાખવામાં આવતા શહેરના મોટાભાગના વિસ્તારોનો પસાર થવાનો મુખ્ય માર્ગ હોય અડધો રોડ તુટી જતા એક તરફ જ વાહનોને અવરજવર કરવાનું ફરજ પડતાં દિવસ પર ટ્રાફિક જામ રહેતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
પાટણ શહેરમાં રેલવે ગરનાળા સુભાષ ચોક સિધ્ધપુર ચોકડી સહિતના વિસ્તારોમાં નવી ભૂગર્ભ ગટરલાઇન નાખવા માટે પાલિકા દ્વારા ઠેરઠેર નવીન રોડ તોડી બાદમાં આજદિન સુધી નવી ના બનાવી ફક્ત પૂર્ણ કરવામાં આવી છે જેને લઇ રોડ બિસ્માર હાલતમાં હોય વાહન ચાલકોને પણ પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ત્યારે શનિવારે વધુ એક વેરાઈ ચકલા વિસ્તારમાં પાલિકા દ્વારા ગટરલાઇન નાખવા માટે વેરાઈ ચકલા ચોક થી પંચમુખી હનુમાન મંદિર તરફ જવાના માર્ગ ઉપર ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં અડધો રોડ તોડી પાડવામાં આવતા વાહન ચાલકોને એક તરફથી અવરજવર કરવાની ફરજ પડતાં મોટા વાહનો પસાર ન થઇ શકતા વહેલી સવારથી જ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને દિવસ પર વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડતા રોષ વ્યકત કર્યો હતો.
પાલિકા દ્વારા સત્વરે તમામ તૂટેલા રોડ રીપેરીંગ કરી યોગ્ય બનાવવામાં આવે તેવી વાહનચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.