દેશમાં દિવાળીના પર્વની ઉજવણીની ધામધૂમપૂર્વક ઉજવણી શરૂ થઇ ગઇ છે. ત્યારે આ વર્ષે રામનીજન્મભૂમિ એવા અયોધ્યામાં પણ ખાસ રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ અયોધ્યામાં દિપોત્સવની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રામનીનગરી આયોધ્યાને દુલ્હનની જેમ રોશનીથી સજાવવામાં આવી છે. આ વખતની દિવાળી એટલા માટે પણ ખાસ છે કેમ કે આવર્ષે આકર્ષણનું કેન્દ્ર રામ મંદિર છે. તો આ વર્ષે ખાસ એરિયલ ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવવાનું છે. દર વખતની જેમ આ વખતે પણ આયોધ્યા ખાતે રામલીલા અને રામાયણ ભજવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે અયોધ્યામાં દીપોત્સવના અવસર પર 9 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવશે. તેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દીપોત્સવ પૂર્વે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ધનતેરસ નિમિત્તે લેસર અને લાઈટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. દીપોત્સવ માટે રામ નગરીના 32 ઘાટને દીવાઓથી શણગારવામાં આવી રહ્યા છે.
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષનો દીપોત્સવ ભવ્ય બનાવવામાં આવી રહ્યો છે. આજે સરયુના કિનારે રામ કી પૈડી પર એક અત્યંત આધુનિક લેસર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં 5મા દીપોત્સવ નિમિત્તે સાઉદી અરેબિયાથી આવેલી 337 ફૂટની સ્ક્રીન લગાવવામાં આવી છે. મહર્ષિ વાલ્મીકિ આ સ્ક્રીન પર રામકથા સંભળાવતા જોવા મળે છે.