દિવાળીના તહેવારોમાં લોકોએ ખૂબ મજા માણી પણ હવે આ મજા સજા બનવા જઇ રહી છે, કેમ કે ફરી એક વખત રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જ્યાં દિવાળી પહેલાં સમગ્ર રાજ્યમાં 20 થી 15 જેટલા કેસ આવતા હતા તેમાં અચાનક ઉછાળો આવ્યો છે અને હવે એક દિવસમાં 40 ઉપર કેસ નોંધાવવા લાગ્યા છે. ત્યારે અમદાવાદમાં તો દિવાળીબાદ પ્રથમ વખત માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદના ઇસનપુરમાં આવેલા દેવ કેસલ ફ્લેટના 30 મકાનોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 4 મહિના બાદ કોરોનાનાં કેસ 42 પર આવ્યા છે એટલું જ નહીં અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાનાં કેસ 4 ગણા વધી ગયા છે. કોરોનાનાં ફેમિલી બન્ચિંગની પેટર્નથી કેસમાં ઉછાળો આવ્યો હોવાનું મનાઇ રહ્યું છે. અમદાવાદમાં આવેલા મોટાભાગનાં કેસ પશ્ચિમ વિસ્તારનાં છે. વડોદરા, સૌરાષ્ટ્ર અને હવે અમદાવાદમાં પણ વધતા કેસને કારણે તંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તો ડોક્ટર્સ કહે છે કે 15 દિવસમાં હજુ કેસ વધશે તો ત્રીજી લહેર આવી શકે છે.
માત્ર અમદાવાદ જ નહીં, ગાંધીનગરમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેને કારણે 3 મહિના બાદ સિવિલમાં કોવિડ વોર્ડ ફરી શરૂ કરાયો છે. તહેવારો પહેલાં જ તબીબોએ ચેતવ્યા હતા પણ વાત કોઇએ કાને ન ધરી અને હવે વધતા કેસની સાથે ચિંતાઓ પણ વધી રહી છે.