સુરતમાં શરદ પૂર્ણિમાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મોટા વરાછાની તુલસી દર્શન સોસાયટી કે જ્યાં આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનું ઘર આવેલું છે. આ સોસાયટીમાં પણ શરદપૂર્ણિમાના ગરબાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાને આમંત્રણ અપાયું હતું. અલ્પેશ કથિરીયા તેમના સાથીદારો સાથે પહોંચ્યા તે અગાઉ જ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલા ઈટાલિયા પોતાની જ સોસાયટીનો કાર્યક્રમ છોડીને જતાં રહ્યાં હતાં.
જે અંગે ઇટાલિયા કહ્યું કે મારે અન્ય જગ્યાએથી આમંત્રણ હતું જેથી હું ત્યાં ગયો હતો. જ્યારે આ મામલે અલ્પેશ કથીરિયાએ કહ્યું કે નવરાત્રિ, દશેરા અને શરદ પૂનમ દરમિયાન હું અલગ અલગ 50 જેટલી સોસાયટીઓમાં કે હાજર રહ્યો હતો. આ સોસાયટીના પ્રમુખનો પણ ખાસ આગ્રહ હતો કે, અમારા હસ્તે આરતી કરવામાં આવે. એટલા માટે અમે ત્યાં હાજર રહ્યા હતા. ગોપાલ ઇટાલીયા કાર્યક્રમમાં આવવાના છે કે, કેમ તે અંગેની મને કોઈ માહિતી ન હતી.
નોંધનીય છે કે આમ આદમી પાર્ટી ભલે સ્વીકારતું ન હોય પરંતુ કોર્પોરેશનની ચૂંટણીમાં પાસના સમર્થનને કારણે જ આપને બેઠકો મળી છે.