ક્યારે ક્યારે એક નાની ભૂલ પણ માણસ માટે મૃત્યુનું કારણ બની શકે છે, આવું જ કંઇક થયું નોયડા-ગ્રેટર નોયડા એક્સપ્રેસ હાઇવ પર, જ્યાં કારમાં રાખેલી એક પાણીની બોટલે એન્જિનીયરનો જીવ લઇ લીધો. દિલ્હીના રહેવાસી એન્જિનીયર અભિષેક ઝા મિત્રોની સાથે કારમાં ગ્રેટર નોયડા તરફ જઇ રહ્યા હતા. એ દરમિયાન જ કાર રોડના સાઇડ પર ઉભા રહેલા એક ટ્રકને જઇને અથડાઇ ગઇ હતી. આ અકસ્માતમાં અભિષેકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અને તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક અકસ્માતના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે અકસ્માત પાછળનું કારણ કારમાં રહેલી પાણીની બોટલ હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે અભિષેકની કારમાં પાછળ મુકેલી બોટલ સરકીને અભિષેકના પગમાં આવી ગઇ હતી, જ્યારે કાર નજીક ટ્રક આવ્યો અને અભિષેકે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો પરંતુ બ્રેક નીચે બોટલ આવી ગઇ હોવાથી બ્રેકલાગી નહીં અને કાર જઇને ટ્રકને અથડાઇ ગઇ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અભિષેક ગ્રેટર નોયડાની એક કંપનીમાં એન્જિનયરની જોબ કરતો હતો. તે તેના મિત્રોની સાથે કારમાં જઇ રહ્યો હતો અને તે દરમિયાન તેનો અકસ્માત થયો હતો અને તેનું મોત નિપજ્યું હતું.