નવી દિલ્હીઃ દેશની બે સૌથી મોટી સિમેન્ટ કંપનીઓ અંબુજા અને ACC સિમેન્ટ્સ હવે ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગ્રૂપે ખરીદી લીધી છે. અદાણી ગ્રુપે આ બંને કંપનીઓ સ્વિસ કંપની હોલ્સિમ પાસેથી ખરીદી છે. આ ડીલ 10.5 બિલિયન ડોલર એટલે કે લગભગ 81 હજાર કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. અદાણી ગ્રૂપ તેની એક વિદેશી પેટાકંપની મારફતે આ હિસ્સો ખરીદશે. હોલસીમ તેની પેટાકંપની દ્વારા અંબુજા સિમેન્ટ્સમાં 63.19 ટકા અને ACCમાં 54.3 ટકા હિસ્સો ધરાવે છે (જેમાંથી 50.05 ટકા હિસ્સો અંબુજા સિમેન્ટ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે).
અદાણી ગ્રૂપ અને દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગ દ્વારા આ અત્યાર સુધીનું સૌથી મોટું એક્વિઝિશન છે. અદાણી ગ્રૂપે ગયા વર્ષે અદાણી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝના નામથી સિમેન્ટ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો. આ ડીલ બાદ અદાણી ગ્રુપ ભારતમાં બીજા નંબરની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની બની જશે. ACCની શરૂઆત 1 ઓગસ્ટ 1936ના રોજ મુંબઈમાં થઈ હતી. અંબુજા સિમેન્ટની સ્થાપના 1983માં નરોત્તમ સેખસરિયા અને સુરેશ નિયોટિયા દ્વારા કરવામાં આવી હતી. હોલસીમ કંપનીએ 17 વર્ષ પહેલા ભારતમાં બિઝનેસ શરૂ કર્યો હતો. તેને વિશ્વની સૌથી મોટી સિમેન્ટ કંપની ગણવામાં આવે છે.
મની કંટ્રોલના અહેવાલ મુજબ, અંબુજાની વર્તમાન ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 31.5MT છે. તે 7MTની વિસ્તરણ યોજના પર કામ કરી રહ્યું છે. ACC એ અંબુજા સિમેન્ટની પેટાકંપની છે. ACCની વર્તમાન ઉત્પાદન ક્ષમતા 34MT છે અને તે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. બજાર વિશ્લેષકો કહે છે કે બંનેની સંયુક્ત ઉત્પાદન ક્ષમતા હાલમાં 66MT છે. ચાલુ વિસ્તરણ યોજના પૂર્ણ થયા પછી આ ક્ષમતા વધીને 78MT થઈ જશે.
અંબુજા સિમેન્ટ્સ અને ACC ઉત્તમ ઉત્પાદન અને સપ્લાય ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતની સૌથી મજબૂત બ્રાન્ડ્સમાંની એક છે. બંને કંપનીઓ પાસે હાલમાં 23 સિમેન્ટ પ્લાન્ટ, 14 ગ્રાઇન્ડીંગ સ્ટેશન, 80 રેડી-મિક્સ કોંક્રીટ પ્લાન્ટ અને સમગ્ર ભારતમાં 50,000 થી વધુ ચેનલ પાર્ટનર્સ છે. અંબુજા સિમેન્ટ અને ACC બંને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓ છે. શુક્રવારે NSE પર અંબુજા સિમેન્ટનો સ્ટોક 4 ટકા ઘટીને રૂ. 358.30 પર બંધ થયો હતો. એ જ રીતે ACC સિમેન્ટનો શેર શુક્રવારે NSE પર સાડા ત્રણ ટકાના ઘટાડા સાથે રૂ. 2,102.15 પર બંધ થયો હતો.