દેશભરમાં અગ્નિપથને લઈને થઈ રહેલા વિરોધમાં હવે કોંગ્રેસે પણ જંપલાવ્યુ છે અને રાહુલ ગાંધીએ અગ્નિપથ યોજનાને લઈને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે યુવાનોને હિંસા માટે મજબૂર કરવામાં આવ્યા કારણ કે તેમની આશા વારંવાર તૂટી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વારંવાર નોકરીની ખોટી આશા આપીને વડાપ્રધાને દેશના યુવાનોને બેરોજગારીના ‘ફાયરપાથ’ પર ચાલવા મજબૂર કર્યા છે. 8 વર્ષમાં 16 કરોડ નોકરીઓ આપવાની હતી પરંતુ યુવાનોને માત્ર પકોડા તળવાનું જ્ઞાન મળ્યું. દેશની આ હાલત માટે માત્ર વડાપ્રધાન જ જવાબદાર છે.
રાહુલ ગાંધીએ એવા સમયે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે જ્યારે તેમની પાર્ટી કોંગ્રેસ આજે દિલ્હીના જંતર-મંતર પર આ મુદ્દે સત્યાગ્રહ આંદોલન કરી રહી છે. આ સત્યાગ્રહમાં પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના તમામ નેતાઓ હાજર છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ પોતાના ટ્વિટર હેન્ડલથી મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે લખ્યું, ‘દેશના યુવાનોના ભવિષ્યને ‘અગ્નિ’ને સોંપવાના બીજેપીના કાવતરા સામે કોંગ્રેસ સત્યાગ્રહના ‘પથ’ પર આગળ વધી છે.