અમદાવાદના જાસપુર ખાતે ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ મંદિર વિશ્વનું સૌથી ઊંચું 504 ફૂટ મંદિર હશે, જેનું ભૂમિ પૂજન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું આવ્યું છે. ત્યારે આ પ્રસંગે રાજ્ય તથા દેશભરમાંથી પાટીદાર સમાજના આગેવાનો, ઉપરાંત વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો અને રાજનેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિરની ડિઝાઇન પારંપરિક મંદિરો કરતાં અલગ રહેશે. મંદિરની ડિઝાઇન તૈયાર કરતા પહેલાં જર્મની અને દુબઈથી આવેલી આર્કિટેક્ટની ટીમે તિરુપતિ બાલાજી, અંબાજી, અક્ષરધામ અને શિરડી મંદિરની મુલાકાત લઈને અલગ અલગ મંદિરોની ડિઝાઇનો ચકાસણી કર્યા બાદ વિશ્વ ઉમિયાધામ મંદિરની ડિઝાઇન તૈયાર કરી છે. ત્યારે વિશ્વ ઉમિયા ધામના નિર્માણ દિન નિમિત્તે મહિલાઓએ 31 હજાર દીવડાનો દીપોત્સવ કરાયો હતો અને વિશ્વ ઉમિયાધામ મંદિરની પ્રતિકૃતિ બનાવી હતી.
તો વળી 100 વીઘા વિસ્તારમાં તૈયાર થનાર મંદિર પરિસરની સાથે અન્ય આયામો પણ જોડવામાં આવ્યા છે. જેમાં સ્કિલ યુનિવર્સિટી, સ્પોર્ટ સંકુલ, NRI ભવન, કુમાર-કન્યા, વર્કિંગ વુમન હોસ્ટેલ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલિમ કેન્દ્ર, સામાજિક સંગઠન ભવન તથા સૌથી મહત્વની એવી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. સાથે અહીં શતચંડી મહાયજ્ઞમાં પાટીદાર સહિત તમામ સમાજના 100થી વધુ યજમાન પરિવારોએ લાભ પણ લીધો હતો, આપને જણાવી દઇએ કે રાષ્ટ્રને ગૌરવ અપાવે તેવા વિશ્વના સૌથી ઊંચા ભવ્યાતિ ભવ્ય મંદિરનું મહાભૂમિપૂજન માર્ચ 2019માં અને શિલાન્યાસ 29 ફેબ્રુઆરી 2020ના રોજ સંપન્ન થયો હતો અને 22 નવેમ્બરથી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું છે.