અમદાવાદમાં દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલી હિના રેસ્ટોરન્ટમાંથી પનીર ભુરજીના શાકમાં મરેલો ઉંદર નીકળતા ચકચાર મચી ગઇ છે. પનીર ભુરજીનું શાક ખાનારા બે લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારે આ મામલે આરોગ્ય વિભાગમાં રેસ્ટોરન્ટની બેદરકારીની ફરિયાદ કરી છે.
નવા વાડજ વિસ્તારમાં રહેતા બાબુલાલ પરમારે કહ્યુ કે પુત્ર પાર્થિવ દિલ્હી દરવાજાની હિના રેસ્ટોરન્ટમાંથી પનીર ભુરજીનું શાક લાવ્યા હતા. પરિવારના સભ્ય રાત્રે 9 વાગ્યાની આસપાસ સાથે જમવા બેઠા હતા અને શાક આરોગ્યુ હતુ.
બાબુલાલે કહ્યુ કે, મે અને મારા બીજા પુત્રએ શાક ઓછુ ખાદ્યુ હતુ પરંતુ મારા પુત્ર પાર્થિવ અને તેની પત્ની જમવા બેઠા હતા આ દરમિયાન પનીર ભુરજીના શાકમાં કઇક દેખાયુ હતુ. તે બાદ જોયુ તો પહેલા શિમલા મીર્ચ હોવાનું જણાયુ હતુ અને પછી ડબ્બામાંથી બહાર કાઢીને સાફ કરીને જોયુ તો મરેલો ઉંદર હતો. પનીરના શાકમાં મરેલો ઉંદર જોઇને મારી પત્ની અને દીકરો ગભરાઇ ગયા હતા અને ગભરામણ થતા ઉલટીઓ અને ફૂડ પોઇઝનિંગ થતા સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અંગે આરોગ્ય વિભાગમાં ઓનલાઇન ફરિયાદ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં અનેક રેસ્ટોરન્ટમાં બિન આરોગ્યપદ ભોજન મળે છે જેને કારણે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.