અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ 17મી જાન્યુઆરીથી 31 મે સુધી બંધ રહેશે જેને કારણે અનેક ફ્લાઈટો રદ કરવામાં આવી છે તેમજ અનેક ફ્લાઇટને રીશડ્યુલ કરવામાં આવી છે. આ જ કારણથી કોરોનાકાળમાં માંડ માંડ પાટે ચડેલી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને 500 કરોડથી વધુનું નુકસાન સહન કરવું પડશે જો કે એરપોર્ટ બંધ રહેવાથી અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો પણ આંશિક ઘટાડો નોંધાશે એવું નિષ્ણાતો માની રહ્યા છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 17મી જાન્યુઆરીથી રન-વેના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે જે આગામી 31 મે સુધી ચાલશે. આ દરમિયાન 33થી વધુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને અન્ય ફ્લાઈટોનું રિશિડ્યુલ કરવામાં આવ્યું છે. આ કારણથી અમદાવાદ એરપોર્ટ પર આવનારા મુસાફરોનો ઘસારો ઘટશે. સાડા ચાર મહિના સુધી અમદાવાદ એરપોર્ટના રન વે રિકાર્પેટિંગની કામગીરીને કારણે એક અંદાજ મુજબ 60 હજાર જેટલા મુસાફરો મુસાફરી નહીં કરી શકે અને રોજની સરેરાશ ફ્લાઇટની અવર જવર કરતા 50 ટકા ફ્લાઈટોની અવરજવર ઘટશે. જેને કારણે ટુરિઝમના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓનું 500 કરોડથી વધુનું ટર્નઓવર ઓછું થશે અને આ જ કારણથી ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં પણ નારાજગી જોવા મળી રહી છે.
તો બીજી તરફ તબીબો માની રહ્યા છે કે અમદાવાદ એરપોર્ટના રિકાર્પેટિંગની કામગીરીને કારણે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો નોંધાઇ શકે છે. કારણ કે અમદાવાદ એરપોર્ટ પર હાઇરિસ્ક શહેરો જેવાકે મુંબઈ, દિલ્હી, પુણે સહિત અન્ય શહેરો જ્યાં કોરોનાના કેસો વધારે છે આવા શહેરોમાંથી મુસાફરોની અવર જવર વધુ રહેતી હતી જેને કારણે આવા શહેરોમાંથી ફ્લાઇટ ઓછી થતા કેસોમાં પણ આંશિક ઘટાડો થાય તેવું અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી ડો.સાહિલ શાહ માની રહ્યા છે.