અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલિભગથી બિલ્ડરે વાડજ રામદેવપીર રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં સ્થાનિકો પર દાદાગીરી કરી હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર અસામાજિક તત્વો લોકોને ઘર ખાલી કરવા ડરાવી રહ્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
બિલ્ડર એચ.એન સફલ અને તેના મળતીયાએ ભેગા મળી ગઈકાલે દાદાગીરીપૂર્વક રામદેવપીર ટેકરાની ત્રીસ ઓરડી અને મારવાડીની ચાલી સહિત આસપાસના 2000થી 2500 પરિવારોની વીજળી, પાણી અને ગટરની લાઈનો કાપી નાંખી હતી. જેના કારણે કેટલાય પરિવારોના મકાનો પડી જવાનો ભય સેવાઇ રહ્યો છે.
લોકો જીવના જોખમે ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા. રામદેવપીર ટેકરા સ્લમ રી-ડેવલમેન્ટમાં સ્થાનિકો સંમતિ ન આપતા હોવાથી બિલ્ડરના ગુંડા અને અસમાજિક તત્વો પાણીની લાઈનો કાપી નાંખતા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને કરોડોનું નુકશાન થયું છે.
આ અંગે સ્થાનિક આગેવાન અને એડવોકેટ નરેશ પરમાર જણાવે છે કે, ” રામદેવપીર ટેકરાના ત્રીસ ઓરડીના મુખ્ય માર્ગ ઉપર આશરે ૧૫ ફુટ મોટા ખાડા કરી પબ્લીકને હેરાન-પરેશાન કરવા માટે જાણી જોઈને પાણીની લાઈન તોડી નાખવામાં આવી છે. સાથે ગટર અને વીજળીની લાઇનો પણ કાપી નાખવામાં આવી છે. આ તો લોકશાહી નહીં પણ તાનાશાહી છે. અમે ઉગ્ર આંદોલનની તૈયારીઓ કરી રહ્યાં છીએ.”