મુંબઇઃ પનામા પેપર્સ મામલામાં બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાયની EDએ સોમવારે લગભગ 7 કલાક સુધી પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પનામા પેપર્સ મામલે ભારતના લગભગ 500 લોકો સામેલ થવાની વાત સામે આવી હતી. જેમાં નેતા, અભિનેતા, ખેલાડી, બિઝનેસમેન દરેક વર્ગના પ્રમુખ લોકોના નામ છે. આ લોકો સામે ટેક્સમાં ગોટાળો કરવાનો આરોપ છે, જેને લઈને ટેક્સ ઓથોરિટી તપાસ કરી રહી છે.
પનામા પેપર્સ મામલે ઘણા સમયથી તપાસ ચાલી રહી છે. એક મહિના પહેલાં અભિષેક બચ્ચન EDના કાર્યાલયે પહોંચ્યો હતો. તેણે અમુક ડોક્યુમેન્ટ પણ EDના ઓફિસર્સને સોંપ્યા છે. EDનાં સૂત્રોનું માનીએ તો ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
વર્ષ 2016માં બ્રિટનમાં પનામાના લો ફર્મના 1.15 કરોડ ટેક્સ ડોક્યુમેન્ટ લીક થયા હતા. એ પછી દુનિયાભરના નેતાઓ, બિઝનેસમેન અને સેલિબ્રિટીનાં નામ સામે આવ્યાં હતાં. ઐશ્વર્યાને પહેલાં એક કંપનીની ડિરેક્ટર બનાવવામાં આવી હતી. એ પછી તેને કંપનીની શેરહોલ્ડર ડિક્લેર કરી દેવાઇ હતી. કંપનીનું નામ અમિક પાર્ટનર્સ પ્રાઇવેટ લિમિટેડ હતું.