બોલિવૂડમાં હિસ્ટ્રી પર આધારીત ફિલ્મ બને અને વિવાદ ના થાય તો જ નવાઇ કહેવા. કેમ કે દરેક વખતે કોઇને કોઇ મુદ્દાને લઇને વિવાદ થાય અને પછી ફિલ્મ હિટ થઇ જાય. બસ હવે આવું જ કંઇક થઇ રહ્યું છે અક્ષય કુમારની આવનારી ફિલ્મ સાથે પણ. કેમ કે હવે અક્ષયની અપકમિંગ ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના ટાઇટલને લઇને વિવાદ થયો છે. હવે આ ફિલ્મનું ટાઇટલ બદલવામાં આવે તેવી માંગણી કરણી સેના દ્વારા કરવામાં આવી છે.
અક્ષય કુમાર આજકાલ ચર્ચામાં છે. તેની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ સિનેમાધરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મથી માનુષી છિલ્લર બૉલીવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. ફિલ્મ રિલીઝ થયા પહેલા જ વિવાદોમાં ફસાઇ ગઇ છે. કરણી સેનાએ યશરાજ સ્ટુડિયો પાસે ફિલ્મનું નામ બદલવાની માગ કરી હતી.
તે ઇચ્છતા હતા કે, ફિલ્મનું નામ બદલીને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરવામાં આવે. કરણી સેનાની આ માંગણી યશરાજ સ્ટૂડિયોએ માની લીધી છે, અને ફિલ્મનુ નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ આજે યશરાજ સ્ટૂડિયોના CEO અજય વિદાની સાથે એકવાર ફરીથી મુલાકાત કરી અને ફિલ્મ પૃથ્વીરાજનું નામ બદલીને સમ્રાટ પૃથ્વીરાજ કરવાની માગ કરી હતી. કેટલીય મુલાકાતો બાદ કરણી સેનાની વાત માની લેવામાં આવી છે, અને આ સંબંધમાં એક લેટર પણ કરણી સેનાને સોંપવામાં આવ્યો છે.
યશરાજ સ્ટૂડિયોએ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના યુવા અધ્યક્ષ સુરજીત સિંહ રાઠોડને એક લેટર મોકલ્યો છે, જેમાં તેમને લખ્યુ છે કે, અમે ફિલ્મ ટાઇટલ બદલીને સમ્રાટ પૃથ્વીરાજ કરીશુ. ‘પૃથ્વીરાજ’ ફિલ્મની વાત કરીએ તો આમાં અક્ષય કુમારની સાથે સંજય દત્તા, સોનૂ સૂદ અને આશુતોષ રાણા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડાયરેક્ટ કરી છે, આ ફિલ્મ 3 જૂને રિલીઝ થવાની છે.