રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, રોજબરોજ કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાના કેસ વધે એ પહેલાં રાજ્યનું આરોગ્ય વિભાગ પણ સતર્ક થઇ ચુક્યું છે. રાજ્યમાં તમામ જગ્યાએ ફરી ટેસ્ટિંગ અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ બીજા રાજ્યમાંથી આવતા લોકોનું ખાસ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સૌથી ચિંતાજનક સમાચાર અમદાવાદમાંથી આવ્યા છે, અમદાવાદમાં ઇસનપુર વિસ્તારબાદ હવે ચાંદખેડામાં પણ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ચાંદખેડાની સંપદ સોસાયટીને અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા માઇક્રો કન્ટેટમેન્ટ ઝોન જાહેર કરાયો છે, જેમાં 20 મકાનોના 76 લોકોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 4 મહિના બાદ કોરોનાનાં કેસ 42 પર આવ્યા છે એટલું જ નહીં અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાનાં કેસ 4 ગણા વધી ગયા છે. કોરોનાનાં ફેમિલી બન્ચિંગની પેટર્નથી કેસમાં ઉછાળો આવ્યો હોવાનું મનાઇ રહ્યું છે. અમદાવાદમાં આવેલા મોટાભાગનાં કેસ પશ્ચિમ વિસ્તારનાં છે. વડોદરા, સૌરાષ્ટ્ર અને હવે અમદાવાદમાં પણ વધતા કેસને કારણે તંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તો ડોક્ટર્સ કહે છે કે 15 દિવસમાં હજુ કેસ વધશે તો ત્રીજી લહેર આવી શકે છે.
માત્ર અમદાવાદ જ નહીં, ગાંધીનગરમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેને કારણે 3 મહિના બાદ સિવિલમાં કોવિડ વોર્ડ ફરી શરૂ કરાયો છે. તહેવારો પહેલાં જ તબીબોએ ચેતવ્યા હતા પણ વાત કોઇએ કાને ન ધરી અને હવે વધતા કેસની સાથે ચિંતાઓ પણ વધી રહી છે.