રાજ્યમાં એક તરફ કોરોનાનો વિસ્ફોટ થયો છે, તો બીજી તરફ નેતાઓને જાહેર મેરાવડાઓમાં ભીડ એકઠી કરવાની અને પોતાની ખુરશી બચાવાની પડી છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં જાહેર કાર્યક્રમો અને મેરાવડાઓ થઇ રહ્યા છે અને લોકોની ભીડ એકઠી થઇ રહી છે. રાજ્યમાં જ્યાં સૌથી વધારે કેસ આવે છે એવા અમદાવાદમાં તો સરકાર અને કોર્પોરેશન મળીને ફ્લાવર શો કરવાની તૈયારીઓ કરી રહી છે.
અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. સાબરમતી નદીના કિનારે ફ્લાવર શોનું આયોજન આગામી 8 જાન્યુઆરીથીએ કરવામાં આવશે. આ માટે કોર્પોરેશને ટિકિટના દરો પણ નક્કી કરી દીધા છે. કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને ફક્ત ઓનલાઇન ટિકિટનું વેચાણ કરવામાં આવશે. અમદાવાદમાં એક તરફ કોરોના કેસો સતત વધી રહ્યા છે. આ વચ્ચે પણ રાજ્ય સરકાર તાયફા કરવામાં ઊંચા નથી આવી રહી. દર વર્ષે સાબરમતી કિનારે યોજાતો ફ્લાવર શો 8 જાન્યુઆરીના રોજ યોજાશે. ફ્લાવર શો માટેની તમામ તૈયારીઓ કોર્પોરેશન આખરી ઓપ આપી રહ્યું છે.
આ વર્ષે ફ્લાવર શો આરોગ્યની થીમ પર યોજવામાં આવશે. ત્યાં જ ફ્લાવર શોમાં બીજી વધુ વૈવિધ્યતા પણ નજર આવશે. ફ્લાવર શો માટે ઓન લાઈન ટિકિટ બુકિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્લાવર શોમાં પ્રવેશ મેળવવા માટે સોમવારથી શુક્રવાર સુધી 12 વર્ષ સુધીના બાળકો અને સિનિયર સીટીઝન માટે રૂપિયા 30 અને 13 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે રૂપિયા 50 ટિકિટ તથા શનિવાર તથા રવિવારે બાળકો માટે રૂપિયા 50 અને 13 વર્ષથી મોટા માટે રૂપિયા 100 ટીકીટ રહેશે.
સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી યોજાશે. માત્ર ઓનલાઈન ટિકિટ જ મળશે અને ઓફલાઈન ટિકિટ નહિ મળે. ફ્લાવર-શો 2022ની મુખ્ય થીમ આરોગ્યની રહેશે. ફલાવર શોમાં આયુર્વેદ અને આરોગ્ય અંગે માહિતી આપતા 15 જેટલા સ્કલ્પચર બનાવવામાં આવશે. સાથે જ10 જેટલા સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવશે કોરોનાને ધ્યાનમાં રાખી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ત્રણથી ચાર જેટલી ટીમ પણ ફ્લાવર શોમાં ચેકિંગ કરશે. જે પણ વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોય તેવા લોકોને દંડ કરશે. આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખી અને ફૂડ કોર્ટ સુવિધા રહેશે નહીં.