વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ગંભીર ખામીની તપાસ માટે ગૃહ પ્રધાન અમિત શાહે ત્રણ સભ્યોની ટીમની રચના કરી છે. ટીમને તપાસ કરીને ટૂંક સમયમાં રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણ સભ્યોની સમિતિનું નેતૃત્વ સુધીર કુમાર સક્સેના (સચિવ સુરક્ષા – કેબિનેટ સચિવાલય) કરશે અને તેમાં બલબીર સિંહ (જોઈન્ટ ડાયરેક્ટર, આઈબી) અને એસ સુરેશ (આઈજી, એસપીજી) સામેલ હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક બાદ ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું હતું કે ગૃહ મંત્રાલયે પંજાબમાં પીએમ મોદીની સુરક્ષા ભંગ અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેની જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે. સાથે જ અમિત શાહે વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ક્ષતિને લઈને પંજાબની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ‘પંજાબમાં કોંગ્રેસ દ્વારા બનેલી ઘટના આ પાર્ટી કેવી રીતે વિચારે છે અને કેવી રીતે કામ કરે છે તેનું ટ્રેલર છે. જનતા દ્વારા વારંવાર નકારવામાં આવતા કોંગ્રેસ ગાંડપણના રસ્તે પહોંચી ગઈ છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ તેમના કાર્યો માટે ભારતની જનતાની માફી માંગવી જોઈએ.’
ઉલ્લેખનીય છે કે પી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ફિરોઝપુર પહોંચ્યા હતા. ત્યારે અહીંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ ખરાબ લાઈટ અને વરસાદના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 મિનિટ રાહ જોતા રહ્યા. પરંતુ હવામાનમાં સુધારો ન થયો, તેથી તેમણે રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાનું નક્કી કર્યું. આ માર્ગે 2 કલાકનો સમય લાગવાનો હતો. પંજાબ ડીજીપી તરફથી સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ કર્યા બાદ પીએમ મોદી રોડ માર્ગે આગળ વધ્યા. પરંતુ રસ્તામાં એક ફ્લાય ઓવર પર કેટલાક લોકો વિરોધ કરવા પહોંચી ગયા હતા. જેના કારણે પીએમ મોદીને 15 મિનિટ રસ્તામાં રોકાવુ પડ્યું હતું.