હજારો લાખો રૂપિયાની લાંચ લેતા લોકોને જોયા છે પરંતુ માત્ર 10 રૂપિયાની લાંચ લેતો કિસ્સો સામે આવ્યો છે. નર્મદાના નાંદોદ તાલુકા પંચાયત કચેરીમાં બી.પી.એલ કાર્ડ ધરાવતા માણસોને બી.પી.એલનો દાખલો વિના મુલ્યે આપવાનો હોય છે, કોમ્પ્યૂટર ઓપરેટર બી.પી.એલનો દાખલો કાઢી આપવાના 10 થી 100 રૂપિયાની લાંચ લેતો હોવાની ફરિયાદ સામે આવી છે અને જો લાંચ ન આપે તો માણસોને ધક્કા ખવડાવામાં આવે છે, ત્યારે એસીબીને ફરિયાદ મળતા આરોપીને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટના પર નજર કરીએ તો નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકા પંચાયત કચેરીમાં બી.પી.એલ કાર્ડ ધરાવતા માણસોને બી.પી.એલ દાખલો વિના મુલ્યે આપવાનો હોય છે પરંતુ આ દાખલો કાઢી આપવાના અવેજ પેટે રૂ ૧૦થી ૧૦૦ સુધીની લાંચની રકમ લેવામાં આવે છે અને જો લાંચની રકમ ના આપે તો માણસોને ધક્કા ખવડાવવામાં આવે છે જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ સહકાર આપનાર ડીકોયરનો સંપર્ક કરી તાલુકા પંચાયતની કચેરી નાંદોદ-રાજપીપલા ખાતે લાંચના ડીકોઈ છટકાનું આયોજન કરતા આરોપી પ્રવિણકુમાર શનાભાઈ તલાર, કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારીત) ડી.આર.ડી.એ. શાખા નાઓ ડીકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ-૧ ની હાજરીમાં બી.પી.એલ દાખલો કાઢી આપી અવેજ પેટે લાંચની રકમ રૂ।.૧૦/- ની માંગણી કરી સ્વીકારી પકડાઈ જઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.