વિનાશક શસ્ત્રો અને મિસાઇલો પાછળ નાણાં ખર્ચનાર ઉત્તર કોરિયા ભૂખમરાની આરે છે. સુત્રો પ્રમાણે ભુખમરાનમા કારણે અને ભુખથી પીડાતા ભૂખ્યા લોકો હવે ખેતરોમાંથી પાક ચોરી કરવા મજબૂર બની ગયા છે. ચોરી રોકવા માટે અધિકારીઓએ પાક ચોરોને જોતા જ ગોળી મારવાના આદેશ જારી કરાયા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ખેતરોમાં હવે તો સેનાએ જમાવડો કરી દીધો છે. રેડિયો ફ્રી એશિયાના અહેવાલ પ્રમાણે સરકારી વેરહાઉસમાંથી એન્ટીબાયોટીક્સના ઇમરજન્સી સપ્લાયની ચોરીની તપાસ વચ્ચે પાકની ચોરી અટકાવવાની ઝુંબેશ વધુ તીવ્ર બની ગઈ છે. ઉત્તર કોરિયાએ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે જાન્યુઆરી 2020માં ચીન સાથેનો વેપાર સ્થગિત કરી દીધો હતો. ઉત્તર કોરિયા અને ચીન સરહદ લાંબા સમયથી બંધ છે, જેના પરિણામે દેશમાં ખાવા-પીવાની વસ્તુઓની અછત સર્જાઈ ગઈ છે. અછતના કારણે આ જ વર્ષે ઉત્તર કોરિયામાં ભૂખમરાથી ઘણા લોકો મૃત્યુ પામ્યા.
ઉત્તરપૂર્વીય પ્રાંત ઉત્તર હમગ્યોંગમાં પાકની ચોરીને રોકવા માટે સેનાને ખેતરોમાં પેટ્રોલિંગ કરવાનો આદેશ છે, કોરિયાની સેનાની ટુકડી 9મી કોર્પ્સ દિવસ-રાત ખેતરોમાં પેટ્રોલિંગ કરી રહી છે. પાકની ચોરી સમગ્ર દેશમાં વ્યાપક બની છે અને જો સત્તાવાળાઓ તેને ટૂંક સમયમાં અટકાવશે નહીં તો પાકની ઉપજમાં ઘણો ઘટાડો થશે.
જવાનોને ચોરીઓ રોકવા માટે ઘાતક બળનો ઉપયોગ કરવાનો અધિકાર અપાઈ ગયો છે. કોઈપણ ઘુસણખોરને “સરકારી તંત્રની વિરુદ્ધ” ગણી લેવાના આદેશ પણ અપાઈ ગયા છે અને કોઈપણ પ્રકારની ચેતવણી વગર જ ગોળી મારી દેવામાં આવે તેવા પણ આદેશ અપાઈ ગયા છે. આદેશ બાદ ખેતરોની નજીક રહેતા લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે. લોકોને ડર છે કે જો તેઓ આકસ્મિક રીતે ખેતરમાં જશે તો તેમને ચેતવણી આપ્યા વિના ગોળી મારી દેવામાં આવશે તો તેમના બાકીના પરિવારજનોનુ શુ થશે.
ઉત્તર કોરિયામાં ભૂખમરાની વદળા ઘણાં ઘેરા બની ગયા છે. જેના કારણે ત્યાની પ્રજા સ્થિતિને 1994 થી 1998 ના વિનાશક દુષ્કાળ સાથે સરખાવી રહી છે. દુષ્કાળમાં ઉત્તર કોરિયાની 23 મિલિયન વસ્તીમાંથી 10 ટકા લોકો માર્યા ગયા હતા. પાકની ચોરી અટકાવવાના નવા આદેશથી ઘણાં સામાન્ય લોકો નાખુશ છે. તેમનું માનવુ છે કે જો તેઓને ચોરી કરવી પડે તો પણ તેઓ બચવા માટે ખોરાક ખાશે.