લાંબા સમયથી નારાજ કોંગ્રેસનાં ખેડબ્રહ્માનાં ધારાસભ્ય અશ્વિન કોટવાલે આખરે ભાજપનો ખેસ પહેરીને કેસરિયા કરી લીધા છે. ભાજપમાં જોડાતા જ પોતાને 2007થી મોદીભક્ત ગણાવવાની સાથે સાથે અશ્વિન કોટવાલે કહ્યું કે આ તો માત્ર ટ્રેલર છે, હજુ તો કોંગ્રેસ વધુ તૂટશે. વહેલી સવારે કોંગ્રેસમાંથી રાજીનામું ધર્યું. ત્યારબાદ ઢોલ નગારા સાથે સમર્થકોની બહોળી સંખ્યા લઇને કમલમ સુધી રેલી કાઢી ભાજપમાં જોડાવાનાં ઉત્સાહમાં ડાન્સ કર્યો. કમલમ પહોંચી સી.આર પાટીલનાં હસ્તે ખેસ ધારણ કર્યો. તો સી.આર પાટીલને આદિવાસી ફાળીયું પહેરાવી તીર કમાન આપ્યા અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ માત્ર આદિવાસી મત મેળવી ફાયદો ઉઠાવે છે. આદિવાસીઓનું કોઇ ભલું નથી કરતી. સાથે જ, તેમણે પોતાને 2007થી જ મોદીભક્ત ગણાવી દીધા.
અશ્વિન કોટવાલનાં કેસરિયા કરવાથી હવે ખેડબ્રહ્મા બેઠકને લઇને કોંગ્રેસની ચિંતા વધી ગઇ છે. છેલ્લી 4 ટર્મથી આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. જો કે, કોંગ્રેસ તમાચો મારીને ગાલ લાલ રાખતા કહે છે કે ખેડબ્રહ્માની બેઠક તેમની જ રહેવાની છે. કોંગ્રેસ જીતની વાતો કરે છે પણ તે પોતાની મજબુતી સતત ગુમાવી રહી છે. 2017ની ચૂંટણી બાદ કોંગ્રેસની 77 બેઠકો હતી, જ્યારે હવે આ બેઠકો ઘટીને માત્ર 63 રહી ગઇ છે અને કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યો દાવો કરે છે કે હજુ કોંગ્રેસ તૂટશે ત્યારે કોંગ્રેસને મોટું નુક્સાન ભોગવવાનું આવી શકે છે.