દેશમાં જ્યારે કોરોનાની મહામારીનો પ્રારંભ હતો અને સમગ્ર દેશ લોકડાઉનમાં હતો ત્યારે જેણે પોતાની પરવાહ કર્યા વગર હજારો લોકોને મદદ કરી એવા ‘સુપરહીરો’ સોનુ સૂદ ફરી પોતાની દરિયાદિલીને લઇને ચર્ચામાં આવ્યો છે. પરંતુ ઘણી વખત ફેન્સ તેમની સામે અજીબોગરીબ ડિમાન્ડ મુકી દે છે, જેને સોનુ હસીને પૂરી પણ કરે છે. દવાથી લઈને રોજગારની માંગણી સુધીની વાત તો સમજી શકાય તેમ છે, પરંતુ જ્યારે તેની પાસેથી વીજળીનું મીટર લગાવવાની માંગ કરવામાં આવી ત્યારે સોનુએ રમૂજી પ્રતિક્રિયા આપી.
સોનુ સૂદે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સની માંગ શેર કરી છે. પ્રિયા દુબે નામની મહિલાએ પોતાનો વિજળી કનેક્શન નંબર લખતી વખતે લખ્યું, ‘સર, મારા વીજળીના મીટરમાં ડિસ્પ્લેમાં સમસ્યા હતી, જેના કારણે મારું વીજળીનું બિલ 1200 રૂપિયા આવી રહ્યું છે. હું છેલ્લા 2 મહિનાથી વીજ વિભાગના ચક્કર લગાવી રહી છું પરંતુ, મારું મીટર બદલવામાં આવતું નથી. કૃપા કરીને મદદ કરો.’ આના પર સોનુએ મદદ કરી અને પ્રિયાના ઘરે મીટર બદલાવ્યું. પરંતુ તેની માંગ શેર કરી અને લખ્યું, ‘ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ મારે વીજળીનું મીટર લગાવવું પડશે.’
પ્રિયા નામની ફેન્સે નવા મીટરનો ફોટો મોકલીને સોનુ સૂદનો આભાર માન્યો અને લખ્યું કે, તમારા સહકાર બદલ આભાર, મારું નવું મીટર લગાવી દેવામાં આવ્યું છે. સોનુએ પણ આને ટેગ કરીને લખ્યું, ‘આજે તમે મારી પાસે નવું વીજળીનું મીટર પણ લગાવડાવી દીધુ’
ઉલ્લેખનીય છે કે, સોનુ સૂદની આવી જ મદદને કારણે લોકો પણ આ અભિનેતા પર વિશ્વાસ કરે છે. કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં જ સોનુએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખાતરી આપી હતી કે, હું તમારી સાથે છું.