ઓસ્ટ્રેલિયાએ વિશ્વના નંબર-1 ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચના વિઝા રદ્દ કરી દીધા છે. નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપન ટૂર્નામેન્ટ રમવા માટે મેલબોર્ન પહોંચ્યા હતા. જ્યાં તેને કલાકો સુધી એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. અંતે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો રજૂ ન કરતા તેમના વિઝા રદ્દ કરી દેવામાં આવ્યા હતા.
જોકોવિચને કોવિડ-19 રસીકરણના પ્રૂફ વગર જ ટૂર્નામેન્ટ રમવાની પરવાનગી મળી હતી. ઓસ્ટ્રેલિયન ઓપનના આયોજકો દ્વારા તેમની અરજીને બે મેડિકલ પેનલો દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ આપવામાં આવેલી રસીમાંથી મુક્તિના કારણે બે વર્ષથી કોવિડ-19 લોકડાઉન અને પ્રતિબંધો સહન કરનારા ઓસ્ટ્રેલિયનોમાં રોષ ફેલાયો હતો.
ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મિસ્ટર જોકોવિચ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ માટેની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે યોગ્ય પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે તેના વિઝા રદ્દ કરવામાં આવ્યા છે.
આ મામલે ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને કહ્યું કે કાયદો બધા માટે સમાન છે અને કોઈ પણ કાયદાથી ઉપર નથી. સર્બિયાના રાષ્ટ્રપતિ એલેકસાન્ડર વ્યુસિકે ઈન્સ્ટાગ્રામ પર કહ્યું કે, તેણે જોકોવિચ સાથે ફોન પર વાત કરી અને તેને કહ્યું કે ‘સમગ્ર સર્બિયા તેની સાથે છે’. ઓસ્ટ્રેલિયન મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ સ્ટીફન પાર્નિસે જણાવ્યું હતું કે, “આવી મુક્તિથી કોવિડ-19ના ફેલાવાને રોકવાનો પ્રયાસ કરતા લોકોને “ભયાનક સંદેશ” મળે છે.”
ટુર્નામેન્ટના ચીફ ક્રેગ ટિલીએ જણાવ્યું હતું કે, ડિફેન્ડિંગ ચેમ્પિયનને “કોઈ વિશેષ છૂટછાટ” આપવામાં આવી ન હતી, પરંતુ તેને વિનંતી કરી હતી કે શા માટે તેમને આ છૂટછાટ આપવામાં આવી છે. ટુર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરી રહેલા આશરે 3,000 ખેલાડીઓ અને સહાયક સ્ટાફમાંથી માત્ર 26 એ રસી મુક્તિ માટે અરજી કરી હતી. તેમાંથી માત્ર અમુક જ તેમાં સફળ થયા હતા. કોઈપણ વ્યક્તિ કે જેણે તમામ શરતો પૂરી કરી છે તેને અંદર આવવાની મંજૂરી આપવામાં આવી છે. કોઈ ખાસ છૂટછાટ આપવામાં આવી નથી. નોવાકને પણ કોઈ ખાસ તક આપવામાં આવી નથી.”