નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ સામેની બીજી એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 275 રનથી ભવ્ય વિજય થયો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાએ સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી હતી. બીજી ટેસ્ટ જીતવા માટે ઇગ્લેન્ડ સામે 468 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં ઇગ્લેન્ડની ટીમ માત્ર 192 રન કરી શકી હતી. આ દરમિયાન ક્રિસ વોક્સ 44 રન કરી ટોપ સ્કોરર રહ્યો હતો. વળી ઓસ્ટ્રેલિયાના ઝાય રિચર્ડસને શાનદાર બોલિંગ કરી 5 વિકેટ લીધી હતી.
છેલ્લા દિવસે ઇંગ્લેન્ડના બેટર જોસ બટલરે મેચ બચાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તે મેચ બચાવી શક્યો નહોતો. તેણે 207 બોલમાં 26 રન કર્યા હતા.
ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. 86ના સ્કોર પર ઈંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ઓપનર હસીબ હમીદ 0, રોરી બર્ન્સ 34, કેપ્ટન જો રૂટ 24, ડેવિડ મલાન 20 અને ઓલી પોપ 4 રને આઉટ થયા હતા. ત્યારપછી, ટીમ માટે મેચ બચાવવાની સંપૂર્ણ જવાબદારી બેન સ્ટોક્સ અને જોસ બટલર પાસે હતી પરંતુ બંન્ને નિષ્ફળ રહ્યા હતા.
એશિઝ સિરીઝની પહેલી મેચ બ્રિસ્બેનમાં રમાઈ હતી,જેમાં ઓસ્ટ્રેલિયન ટીમનો 9 વિકેટથી મેચ જીતી સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. તેવામાં હવે બીજી મેચ જીત્યા પછી ઓસ્ટ્રેલિયન ટીમ મેલબર્ન ખાતે ઇંગ્લેન્ડ સામે 26 ડિસેમ્બરે મેચ રમશે.