Women T20 Challenge 2022: BCCI એ મહિલા T20 ચેલેન્જ માટે ટીમોની જાહેરાત કરી છે. મહિલા T20 ચેલેન્જમાં હરમનપ્રીત કૌરને સુપરનોવાસ, સ્મૃતિ મંધાનાને ટ્રેલબ્લેઝર તરીકે અને દીપ્તિ શર્માને વેલોસિટી ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ આ 3 ટીમો માટે ખેલાડીઓની પસંદગી કરી હતી. દરેક ટીમમાં 16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. IPL 2022ની મેચોના છેલ્લા તબક્કા દરમિયાન મહિલા T20 ચેલેન્જનું આયોજન કરવામાં આવનાર છે. આ સિઝનમાં મહિલા ટી20 ચેલેન્જનું આયોજન 23 થી 28 મે દરમિયાન મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ (MCA), પુણે ખાતે કરવામાં આવશે.
BCCI આ ટૂર્નામેન્ટ દરમિયાન આ સિઝનમાં કુલ ચાર મેચનું આયોજન કરવા જઈ રહ્યું છે. બીસીસીઆઈએ પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ કરીને કુલ 12 વિદેશી ખેલાડીઓ મહિલા ટી20 ચેલેન્જનો ભાગ બનશે. મહિલા ટી20 ચેલેન્જ 2022ની શરૂઆત 23મી મેના રોજ સુપરનોવા અને ટ્રેલબ્લેઝર્સ વચ્ચેની મેચથી થશે. તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. BCCIએ આ ટૂર્નામેન્ટમાંથી ભારતીય કેપ્ટન મિતાલી રાજ અને અનુભવી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીને આરામ આપ્યો છે.