ચાંગપેંગ ઝાઓ (Changpeng Zhao) ને લઇ જે નવો રિપોર્ટ સામે આવ્યો છે તેના મતે હવે તેઓ ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી કરતાં પણ વધુ સંપત્તિના માલિક છે. બ્લૂમબર્ગના હાલમાં જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે ચાંગપેંગ ઝાઓની નેટવર્થ 96 અબજ ડોલર પર પહોંચી ગઇ છે.
ચાંગપેંગ ઝાઓને CZના નામથી પણ ઓળખવામાં આવે છે, તેઓ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બાઇનાન્સના ફાઉન્ડર અને CEO છે. આની પહેલાં પણ તેઓ ક્રિપ્ટોકરન્સી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી ચૂકયા છે. ઝાઓ Blockchain.info ડેવલપ કરનારી ટીમનો હિસ્સો પણ રહી ચૂકયા છે. આ સિવાય તેઓ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ OK Coinમાં ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે કામ કરી ચૂકયા છે.
2005ની સાલમાં તેઓ શાંઘાઇ ગયા જ્યાં તેમણે બ્રોકર માટે સૌથી વધુ ફ્રિકવન્સી ટ્રેડિંગ સિસ્ટમ Fusion Systemsની સ્પાથના કરી. ત્યારબાદ તેમણે Blockchain.info અને OK Coinની સાથે કામ કર્યું. 2017ની સાલમાં તેમણે OK Coin ને છોડીને એક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બાઇનાન્સને શરૂ કર્યું. આ એક્સચેન્જને જુલાઇ 2017માં લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગના 8 મહિનાની અંદર ઝાઓ એ બાઇનાન્સને ટ્રેડિંગ વોલ્યુમના મતે દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બનાવી દીધી હતી. ગયા વર્ષે બ્લૂમબર્ગ માર્કેટસને આપેલા એક ઇન્ટરવ્યુમાં ઝાઓ એ કહ્યું કે તેમના લિક્વિડ નેટવર્થનું 100 ટકા ક્રિપ્ટોકરન્સીના ફોર્મમાં છે.
વધુમાં તેમણે જણાવ્યું કે તેઓ પોતાની સંપત્તિનો 99 ટકા હિસ્સો ડોનેટ કરી દેશે જેમ કે બાકીના એન્ટરપ્રિન્યોર અને ફાઉન્ડર્સ કરે છે. બાઇનાન્સની સફળતાના લીધે જ હવે ચાંગપેંગ ઝાઓની નેટવર્થ 96 અબજ ડોલર પર પહોંચી ગઇ છે.