પાછલા ઘણા સમયથી સ્માર્ટફોનમાં આગ લાગવી કે બ્લાસ્ટ થવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. હાલમાં POCO M3માં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર મહેશ નામના વ્યક્તિએ ટ્વિટ કરીને POCO M3માં આગ લાગી હોવાની ઘટનાની જાણકારી આપી હતી. મહેશ શેર કરેલી તસવીરમાં POCO M3 સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થયાબાદ આગ લાગી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આ યુઝર્સે એવો દાવો કર્યો છે કે તેમનો ભાઇ 27 નવેમ્બરના રોજ ફોન યુઝ કરી રહ્યો હતો તે દરમિયાન આ બ્લાસ્ટની ઘટના બની હતી. આ સ્માર્ટફોનમાં કેવી રીતે બ્લાસ્ટ થયો અને તેનાથી કેટલું નુકશાન થયું એનો કોઇ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.
આ સમગ્ર ઘટનાબાદ POCO Indiaએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે કસ્ટમર સેફ્ટી મહત્વપૂર્ણ છે અને આ પ્રકારના બનાવોને કંપની ગંભીરતાથી લે છે. હાલમાં કંપની આ સમગ્ર મુદ્દાની તપાસ કરી રહી છે અને મહેશ દ્વારા કરવામાં આવેલા ટ્વિટને પણ હટાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં સ્પષ્ટ દેખી શકાય છે કે ફોનનો પાછળનો ભાગ એકદમ સળગી ગયો છે.
આ પહેલાં પણ ઘણી કંપનીઓના સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં OnePlus Nord સીરીઝનો સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. આ પહેલાં સેમસંગના સ્માર્ટફોનમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.