અમદાવાદના બોપલ ડ્રગ્સ કાંડમાં દિવસે ને દિવસે નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ કેસના મુખ્ય આરોપીઓ વંદિત પટેલ અને વિપલ ગોસ્વામી પકડાયા પછી અમદાવાદના માલેતુજાર, વગદાર અને જાણીતા પરિવારના 100 જેટલા નબીરાઓના નામ ગાંજો, ચરસ કે ડ્રગ્સનું સેવન કરવામાં ખુલ્યા છે. જોકે આ કેસમાં નીલ વિષ્ણુભાઇ પટેલ મુખ્ય આરોપી વંદિત પટેલ પાસેથી દર અઠવાડિયે બેથી ત્રણ વાર પાંચ લાખ રુપિયાનું ડ્રગ્સ ખરીદતો હતો. જેનું ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં વેચાણ કરતો હતો.
બોપલ ડ્રગ્સકાંડના ત્રીજો મુખ્ય આરોપી નીલ વિષ્ણુભાઇ પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટમાં કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. આ કેસની સુનાવણી દરમિયાન ખુલાસો થયો હતો કે મુખ્ય આરોપી વંદિત પટેલ પાસેથી નીલ દર અઠવાડિયે બેથી ત્રણ વાર પાંચ લાખ રૂપિયાનું ડ્રગ્સ ખરીદતો હતો. નીલ આ ડ્રગ્સ ગુજરાત તેમજ આસપાસના રાજ્યોમાં વેચતો હતો. આરોપીઓ વંદિત પટેલ, વિપલ ગોસ્વામી અને નીલ પટેલ સતત સંપર્કમાં રહેતા હતા. આ કેસમાં 100 જેટલા નબીરાઓ ડ્રગ્સ ખરીદતા હતા, તે તમામને પોલીસ પૂછપરછ માટે બોલાવી રહી છે.