બિહાર વિધાનસભાની ચૂંટણીની બે બેઠકો પર થઇ રહેલી પેટાચૂંટણીમાં કોગ્રેસે પુરી તાકાત લગાવી દીધી છે. આરજેડી સાથે સંબંધો બગડતા કોગ્રેસ હવે કોઇ કસર રાખવા માંગતી નથી. કોગ્રેસના યુવા નેતા કન્હૈયા કુમાર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ શુક્રવારે પ્રથમવાર બિહારની ચૂંટણીમાં પ્રચાર કરશે. તેઓ તારાપુર અને કુશેશ્વરસ્થાન ક્ષેત્રમાં રહીને પાર્ટી માટે મત માંગશે.
કોગ્રેસમાં સામેલ થયા બાદ કન્હૈયા કુમાર, જિજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ પ્રથમવાર કોઇ ચૂંટણી જનસભામાં એક સાથે જોવા મળશે. કોગ્રેસે પોતાના ત્રણેય નેતાની સ્વાગતની તૈયારીઓ કરી છે.
બિહાર પેટાચૂંટણીમાં કોગ્રેસ અને આરજેડી સામસામે લડી રહ્યા છે. જ્યારે એનડીએ એક થઇને ચૂંટણી લડશે. એવામાં કોગ્રેસે પોતાના યુવા નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. તારાપુરમાં આ નેતાઓ 23થી લઇને 25 ઓક્ટોબર સુધી કોગ્રેસના ઉમેદવાર રાજેશ મિશ્રા માટે મત માંગશે. ત્યારબાદ 26 થી 28 ઓક્ટોબર સુધી ત્રણેય નેતાઓ કુશેશ્વરસ્થાનમાં રહેશે જ્યાં કોગ્રેસના ઉમેદવાર અતિરેક કુમાર માટે જનતા પાસે મત માંગશે.