બિહારના નાલંદામાં એક સરકારી શિક્ષકના બેન્ક લોકરમાંથી એક કરોડ રૂપિયા રોકડા અને લાખો રૂપિયાના ઘરેણા મળી આવતા આઇટીના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. એક રિપોર્ટ અનુસાર નાલંદા જિલ્લાના થરથરી પ્રખંડમાં શિક્ષક નીરજ કુમાર શર્માના પટનામાં આવેલા ઘરમાં ઇન્કમટેક્સે દરોડા પાડીને લાખો રૂપિયાની બ્લેકમનીનો ખુલાસો કર્યો હતો. આઇટીના દરોડામાં શિક્ષકના બેંક લોકરમાં એક કરોડ રૂપિયા રોકડા અને બે કિલો સોનું હોવાની જાણકારી મળી હતી.
સરકારી સ્કૂલના શિક્ષકના બેંક લોકરમાં આટલી મોટી રકમ મળવાથી ઇન્કમટેક્સના અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા. શિક્ષક નીરજ કુમાર શર્મા આ સંપત્તિ ક્યાંથી આવે તે વિશે જણાવી શક્યો નહોતો.
નીરજ કુમારના બેંક લોકરમાંથી એક કરોડ રોકડા અને બે કિલો સોના સહિત ઘણા અન્ય દસ્તાવેજો પણ મળ્યા છે. 250 ગ્રામ વજનની સોનાની ચાર ઇટો અને એક કરોડ રોકડા મળ્યા હતા. આ રકમ બે હજારના રૂપિયાના નોટના બંડલમાં હતી. આ સાથે અન્ય દસ્તાવેજો પણ મળ્યા છે જેની તપાસ ચાલી રહી છે. શિક્ષક નીરજ કુમાર શર્મા નવરચના કંસ્ટ્રક્શન કંપનીના માલિક રાકેશ કુમાર સિંહનો સંબંધી છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ રૂપિયા તેમના પણ હોઈ શકે છે.