ચરોતરના સહકારી ક્ષેત્રમાં પાયાનું સ્થાન ધરાવતી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો આવ્યો છે . હાલમાં ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી ચાલુ છે . ભાજપ તરફથી ઉમેદવારોને આજે મેન્ડેટ અપાયા છે . ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના 26 બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે . માટે આગામી 30 જાન્યુઆરીના રોજ નવા ડિરેક્ટર માટે ચૂંટણી યોજાશે , જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમને પગલે સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે . ચરોતરના સહકારી માળખામાં મહત્વનું સ્થાન ધરાવતી KDCC બેંકના ચેરમેન તરીકે વર્ષોથી ધીરુભાઈ ચાવડાનું એકહથ્થુ શાસન ચાલતું આવ્યું છે . ભાજપ તરફી હોય કે કોંગ્રેસ તરફી તમામ ડિરેક્ટરોનો વિશ્વાસ ધીરુભાઈએ સંપન્ન કર્યો છે . પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા , આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર , જેવા કદાવર નેતાઓ બેંકમાં સત્તારૂઢ છે . ત્યારે આવનારી ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે . આ ચૂંટણી માટે 11 મી જાન્યુઆરીએથી ઉમેદવારી પત્ર ભરાઈ રહ્યા છે . જેમાં 17 મી જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે .જો બેઠકોની વાત કરીએ તો ક્રેડિટ સોસાયટીની 02 , સેવા સહકારી મંડળીની 10 , હાઉસીંગ સોસાયટીની અને દુધ મંડળીની 11 , જિલ્લા રજીસ્ટ્રારની 1 , ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક પ્રતિનિધિની એક અને નાબાર્ડના પ્રતિનિધિ એક મળી કુલ 26 બેઠકો છે . ઉપરાંત ખેડા , આણંદ અને મહિસાગર જિલ્લામાં 84 શાખા ધરાવતી આ બેંકના અંદાજીત 3400 મતદારો છે .
શેર આજે ભાજપ તરફથી ઉમેદવારી જેને નોંધાવવાની છે તે લોકોને મેન્ડેટ આપવામાં આવ્યા છે . તે મુજબ જોઈએ તો સેવા વિભાગમાં વિપુલભાઈ કાંતિભાઈ પટેલ ( ડુમરાલ ) , નિલેશભાઈ ચંદુભાઈ પટેલ ( બલોલ ) , જશુભાઈ પટેલ , અશોકભાઈ જોષી ( વિરપુર ) , યોગેન્દ્રસિંહ રામસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરાયા છે . સહકારી સોસાયટી વિભાગમાં મહેશભાઈ પુનમભાઈ પટેલ ( મહુધા ) નું નામ જાહેર કર્યું છે . દૂધ મંડળી વિભાગમાં કેસરીસિંહ સોલંકી , લક્ષ્મણસિંહ રૂમાલસિંહ ઝાલા ( ગોગજીપુરા ) , બાબરભાઈ પ્રભાતસિંહ ચૌહાણ , ભીમસિંહ જશવંતસિંહ રાઉલજીનું ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું છે . જો કે હજુ ઘણી બેઠકો માટે ઉમેદવારો જાહેર થયા નથી , જે આવનાર સમયમાં ભાજપ દ્વારા જાહેર કરાશે . ખેડા અને આણંદના 20 સ્થળોએ મતદાન થશે ચૂંટણી માટેના સ્થળોની વાત કરીએ તો માતર માટે કુમાર શાળા , ગ્રામ પંચાયત પાસે , ખેડા માટે પ્રાથમિક કુમાર શાળાના બાગમાં , નડિયાદ માટે છોટાલાલ વ્યાસ સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર , ખેડા જિલ્લા સહકારી સંઘ , મીશન રોડ , મહુધા માટે એમ.કે.એમ. હાઈસ્કુલ , ટા.કુ. હોલ , વસો માટે ગ્રામ પંચાયત કચેરી , મહેમદાવાદ માટે શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કુલ , કપડવંજ માટે મુખ્ય કન્યાશાળા , કઠલાલ માટે કુમાર શાળા , ખોડીયાર મંદિર પાસે , બાલાસિનોર માટે તાલુકા શાળા , વિરપુર માટે સી.એમ. દેસાઈ હાઈસ્કુલ , ઠાસરા માટે પ્રાથમિક શાળા , કેડીસીસી બેંક સામે , ગળતેશ્વર માટે સી.પી. પટેલ હાઈસ્કુલ , સેવાલીયા ચાર રસ્તા , આણંદ માટે આઈ.ટી.આઈ. ગ્રીડ પાસે આણંદ , ઉમરેઠ માટે ગુજરાતી કુમાર શાળા , એપીએમસી પાછળ , ઉમરેઠ , પેટલાદ માટે એન.કે.હાઈસ્કુલ , પેટલાદ , સોજિત્રા માટે કુમાર શાળા નં .2 ( તાલુકા શાળા ) , સોજીત્રા , ખંભાત માટે માધવલાલ શાહ હાઈસ્કુલ , ખંભાત , તારાપુર માટે કન્યા શાળા , નાની ભાગોળ , દૂધની ડેરી સામે , તારાપુર , બોરસદ માટે પ્રાથમિક શાળા , જુની મામલતદાર ઓફીસ સામે , બોરસદ , આંકલાવ માટે આંકલાવ હાઈસ્કુલ , આંકલાવ ખાતે 30 મી જાન્યુઆરીના રોજ સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે .