ગાંધીનગરઃ ગુજરાત સરકારમાં નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળ બન્યા બાદ બધુ સામાન્ય અને સારી રીતે ચાલી રહ્યુ છે. વિપક્ષ પણ સરકારની કામગીરી આરામથી જોઈ રહી છે અને કોઈ મુદ્દો મળે તેની રાહ જોઈને બેઠુ છે પણ ભેંસના શિંગડા ભેંસને વાગે જેવી સ્થિતિ અત્યારે ભાજપની થઈ રહી છે.ખૂદ ભાજપના સાંસદ મનસુખ વસાવા રાજ્ય સરકારના મંત્રી પર સીધો આરોપ લગાવે છે, મનસુખ વસાવાએ દશેરાના દિવસે સાગબારાના દેવમોગરા માતાજીના મંદિર પાંડુરી માતાજીની આરતી કાર્યક્રમ બાદ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા જેમાં આદિવાસીઓમાં ભાગલા પડાવનારા અને ખોટા આદિવાસી પ્રમાણપત્રો લેનારાઓની ઝાટકણી કાઢી હતી,
સાંસદે તો મોરવા હડફના ધારાસભ્ય રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી નિમિષા સુથારના આદિજાતી પ્રમાણપત્ર મુદ્દે પણ આકરા પ્રહારો કર્યા અને કહ્યુ કે નિમિષા સુથાર ભલે ભાજપમાં હોય પણ તેમના પિતા ખરેખર આદિવાસી હતી કે નહી તેની ખબર નથી, તેમનો પરિવાર આદિવાસી નથી, છતાં પણ તેમને પાર્ટીએ ટિકીટ આપી અને સરકારમાં મંત્રી પણ બનાવ્યા છે, કારણ એમની પાસે આદિવાસીનું સર્ટિફિકેટ હતુ, વધુમાં વસાવાએ સંબોધનમાંએ પણ કહ્યુ કે હુ તો એમના ચૂંટણી પ્રચારમાં પણ ગયો નહોતો, નિમિષા સુથાર જ્યારે રાજપીપળા આવ્યા ત્યારે લોકો તેમને પગે લાગતા હતા, હુ એ લોકોને કહેવા માંગુ છુ કે ખોટા લોકોને પગે ન લાગવુ જોઈએ, પાર્ટી ભલે મને તેનાથી દુર કરી દે એની મને કોઈ પરવાહ નથી પણ હુ સાચુ બોલીશ સમાજથી મોટુ મારા માટે કોઈ નથી