પાટણના ચંદ્રુમણા-કંબોઈ માગૅ પરથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બુધવારે સાંજનાં સાડા પાંચ વાગ્યાના અરસામાં ચંદ્રુમણા ગામના પટેલ પરિવારનાં પિતરાઈ ભાઈ બહેન ડૂબ્યા હોવાની ઘટના સજૉઈ હતી. જે બન્ને પિતરાઈ ભાઈ બહેનને શોધવા સ્થાનિક તરવૈયાઓ સહિત એનડીઆરએફ ની ટીમ છેલ્લા કેટલાક કલાકોથી મહેનત કરી રહ્યા હતા. ત્યારે શનિવારે બપોરે બન્નેની લાશ ભલાણા કેનાલની સાયફનમાંથી મળી આવી છે. છેલ્લા ત્રણ દિવસથી નર્મદા કેનાલમાં ડુબેલા ચંદ્રુમણા ગામના પટેલ પરિવારનાં પિતરાઈ ભાઈ બહેનની લાશ મળી આવતા પરિવારજનો સહિત સમગ્ર ચંદ્રુમાણા ગામમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. મૃતક બન્નેની લાશોને પોસ્ટમોર્ટમ માટે હારીજ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
બુધવારના રોજ બનેલી ઘટનાની જાણ પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલને થતા તેઓએ પણ ઘટના સ્થળે દોડી આવી બનેલી સંવેદનશીલ ઘટનાને પગલે પરિવારજનોને સાંત્વના પાઠવી સ્થાનિક પ્રશાસનનાં અધિકારીઓની સંવેદનહીનતા સામે આક્રોશ વ્યક્ત કરી બન્નેની લાશની શોધખોળ માટે રાજ્યના રેવન્યુ મિનિસ્ટર સાથે ચચૉ કરી એનડીઆરએફ ટીમની મદદ માંગી હતી. સ્થાનિક પ્રશાસનની બેજવાબદાર ભરી ફરજ પ્રત્યે કાયૅવાહી કરવાની માંગ પણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
આજે બનાવના ત્રીજા દિવસે ભલાણા કેનાલના સાયફનમાં ફસાયેલી લાશ ફુલાઈને આપો આપ બહાર આવતાં લોકોનાં ધ્યાનમાં આવતાં બન્ને લાશોને બહાર કાઢતાં પરિવાર સહિત સમગ્ર ચંદ્રુમાણા ગામમાં શોક છવાયો હતો. આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.