બરવાળા કેમિકલ કાંડ મામલે ગૃહ વિભાગે બે IPSની બદલી કરવા સહિત ૬ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાની કાર્યવાહી કરી હતી. પોલીસની નારાજગી છે કે મિથાઈલ આલ્કોહોલનું લાઇસન્સ આપવાનું કામ નશાબંધી અને આબકારી વિભાગનું છે, પરંતુ નશાબંધી વિભાગની લાચારી એવી છે કે મિથાઈલ આલ્કોહોલનું લાઇસન્સ આપ્યા પછી તેમનું કોઈ નિયંત્રણ નથી.
બરવાળાના કેમિકલ કાંડમાં મીથાઈલ આલ્કોહોલનો ઉપયોગ થયાનું સાબિત થતાં હવે ઠીકરું નશાબંધી વિભાગના માથે ફોડવામાં આવી રહ્યું છે, પરંતુ સૂત્રોની જાણકારી પ્રમાણે અત્યંત ઝેરી એવા મિથાઈલ આલ્કોહોલને નિયંત્રિત કરવા નશાબંધીના કાયદા એટલા નબળા છે કે લાઇસન્સ આપવા સિવાય નશાબંધી વિભાગનું કોઈ નિયંત્રણ નથી. દેશમાં બે પ્રકારના આલ્કોહોલ છે, ઇથાઈલ આલ્કોહોલ અને મીથાઈલ આલ્કોહોલ. ગુજરાત સરકારનું નશાબંધી ખાતું આ બંને પ્રકારના આલ્કોહોલ માટે લાઇસન્સ આપે છે. ઇથાઈલ આલ્કોહોલનું જો સેવન કરવામાં આવે તો નશો થવા સિવાય તેની કોઈ આડ અસર થતી નથી, પરંતુ મીથાઈલ આલ્કોહોલનું સેવન થાય તો મૃત્યુ નિશ્ચિત છે. આમ મીથાઈલ આલ્કોહોલ અત્યંત ઝેરી કેમિકલ છે.
નશાબંધી કાયદા પ્રમાણે ઇથાઈલ આલ્કોહોલનો પરવાનો ધરાવનાર ઇથાઈલ ખરીદવા માગતો હોય તો તેને વિભાગની મંજૂરી લેવી પડે છે. મંજૂરી મળ્યા પછી ઇથાઈલ આલ્કોહોલનું ટેન્કર ગુજરાતમાં પ્રવેશ કરે ત્યારે નશાબંધી વિભાગના રક્ષણ હેઠળ ટેન્કરને નિયત સ્થળે લઈ જવામાં આવે છે. આ ટેન્કરને નશાબંધી સબ ઈન્સ્પેકટરની હાજરીમાં જ અનલોડ કરવામાં આવે છે અને જ્યાં ઇથાઈલ આલ્કોહોલનો સ્ટોક હોય તેને નશાબંધી ખાતું લોક કરે છે. જ્યારે-જ્યારે પરવાનેદારે ઇથાઈલ આલ્કોહોલનો ઉપયોગ કરવાનો થાય ત્યારે સબ ઈન્સ્પેકટરની હાજરીમાં જ સ્ટોક બહાર કાઢવામાં આવે છે. આમ ઇથાઈલ આલ્કોહોલની સંપૂર્ણ કસ્ટડી અને પરિવહન નશાબંધી ખાતાના નિયંત્રણમાં છે.