ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલ નવા વર્ષમાં 25 રૂપિયા સુધી સસ્તુ મળશે. રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને આ જાહેરાત કરી છે. આ સસ્તા પેટ્રોલ-ડીઝલનો લાભ માત્ર બીપીએલ કાર્ડ ધારકોને જ મળશે. મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યુ કે 26 જાન્યુઆરીથી ઝારખંડમાં બીપીએલ કાર્ડ ધારકોને પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તુ મળશે.
મહત્વપૂર્ણ છે કે ઝારખંડ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પણ સતત પેટ્રોલ-ડીઝલ પર વેટના દર ઘટાડવાની માંગ કરી રહ્યુ હતુ. એસોસિએશન સરકારને પેટ્રોલ પર 5% વેટ ઘટાડવાની માંગ કરી રહ્યુ હતુ, તેમનું કહેવુ છે કે જો સરકાર વેટના દર 22%થી ઘટાડીને 17% કરી દે તો લોકોને રાહત મળશે. એસોસિએશનનું કહેવુ હતુ કે ઝારખંડના પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં ડીઝલની કિંમત ઓછી છે. એવામાં ઝારખંડથી જતા વાહન પાડોશી રાજ્યમાંથી ડીઝલ ભરાવી રહ્યા છે જેને કારણે તેમણે નુકસાન થઇ રહ્યુ છે.
એસોસિએશનના અધ્યક્ષ અશોક સિંહે કહ્યુ કે પેટ્રોલિયમ ડીલરોએ મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો હતો અને નાણામંત્રી સાથે મુલાકાત પણ કરી હતી. અશોક સિંહે કહ્યુ કે ઝારખંડમાં 1350 પેટ્રોલ પંપ છે, જેમાં સીધી રીતે 2.50 લાખથી વધુ પરિવારોની આજીવિકા જોડાયેલી છે. વેટના ઉચ્ચ દરોને કારણે વેપાર પ્રભાવિત થઇ રહ્યો છે.