એક લગ્નમાં વર પક્ષના મંગળસૂત્ર ના લાવવા પર દુલ્હને સાત ફેરા લેવાનો ઇનકાર કર્યો હતો, જે બાદ જાન પરત ફરી હતી. જાણકારી મળતા જ સ્થાનિક થાનેદારે તુરંત વરરાજા અને વહુ પક્ષને પોલીસ સ્ટેશને બોલાવીને સમજાવ્યા હતા. બીજા દિવસે સવારે વરરાજા પક્ષ પાસેથી મંગળસૂત્ર ખરીદીને મંગાવવામાં આવ્યુ હતુ અને પોતાની હાજરીમાં અધૂરા લગ્નને પૂર્ણ કરાવ્યા હતા. આ દરમિયાન થાનેદારે ભાઇ બનીને યુવતીને વિદાય આપી હતી અને તેની રક્ષાનું વચન પણ આપ્યુ હતુ.
આ ઘટના ઉત્તર પ્રદેશના દેવરિયામાં ગૌરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બાકી ફુલવરિયા ગામમાં બની હતી. આ ગામના હરેરામ યાદવના ઘર ગોરખપુરના ચૌરી-ચૌરાથી જાન આવી હતી. દ્વાર પૂજા થઇ ગઇ હતી. કેટલાક જાનૈયા ખાવાનું પણ ખાઇ ચુક્યા હતા, બધુ બરાબર ચાલતુ હતુ. આ વચ્ચે જ્યારે સાત ફેરાની વાત આવી તો ખબર પડી કે વરરાજા લગ્નમાં ચઢાવવા માટે કોઇ જ્વેલરી લાવ્યા નથી. મંગળસૂત્ર પણ નથી લાવ્યા. આ વાત જ્યારે વહુ અદિતિ યાદવને ખબર પડી તો મંડપથી ઉઠીને જતી રહી હતી અને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ જાન ખાલી હાથે પરત ફરી હતી.
આ વાત ગૌરી બજારના થાનેદાર વિપિન મલિકને ખબર પડી તો તે ઘટનાસ્થળે પહોચ્યા હતા અને વરરાજા સંજય યાદવ સહિત યુવતી અદિતિ યાવદના ભાઇને પોલીસ સ્ટેશને લઇને આવ્યા હતા. આખી રાત તેમણે સમજાવ્યા હતા, પછી સવારે વરરાજા અને તેના પિતાએ મંગળસૂત્ર સહિત ચાર સેટ જ્વેલરી મંગાવી હતી. પછી પોલીસની હાજરીમાં રીત રીવાજ સાથે લગ્ન સંપન્ન થયા હતા.
યુવતીએ પોલીસ કર્મીને કહ્યુ, આટલુ બધુ થઇ ગયુ, તેને ડર છે કે વરરાજાના પરિવારજનો તેની સાથે ખોટો વ્યવહાર કરશે, જેની પર એસઓ વિપિન મલિકે કહ્યુ, તમે મને ભાઇ માનો છો તો લગ્ન કરો. અમે વચન આપીએ છીએ કે તમને કઇ નહી થાય. આ દરમિયાન એસઓએ યુવતીને મોબાઇલ ગિફ્ટમાં આપ્યો હતો.