આવનારા સમયમાં ઈલેક્ટ્રીક ગાડીઓનું ચલણ વધશે તો જરૂરી છે કે તેના માટે ચાર્જિગ સ્ટેશન બનાવવા પડશે. એવું પણ નથી કે તમામ ચાર્જિગ સ્ટેશન સરકાર જ બનાવશે. સ્ટેશન બનાવવાનું કામ ખાનગી લોકોને અથવા બિઝનેસના ઉદ્દેશ્યથી પણ શરૂ થશે. તમે પણ ઈચ્છો તો તેનો ભાગ બની શકો છો. વર્ષ 2030 સુધી સરકારનું લક્ષ્ય તમામ ગાડીઓને ઈલેક્ટ્રિક કરી દેવાનું છે.
કોઈ સામાન્ય માણસ પણ થોડા પૈસાનું રોકાણ કરીને ચાર્જિગ સ્ટેશન ખોલી શકે છે અને તેનાથી સારી કમાણી કરી શકે છે. આવા ચાર્જિગ સ્ટેશનને લો કોસ્ટ એસી ચાર્જિગ સ્ટેશન અથવા એલએસી કહે છે. સરકાર આ પ્રકારના ચાર્જિગ સ્ટેશન બનાવવા માટે સબસિડી આપે છે અને ઘણા પ્રકારની આર્થિક મદદ કરે છે.
પ્રથમ ઈવી ચાર્જિગ સ્ટેશન પર 18 ટકા જીએસટી લાગતો હતો, જેને ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે. પહેલા નિયમ હતો કે ચાર્જિગ સ્ટેશન માટે અલગથી પ્લોટ લેવાનો રહેતો હતો અને તેની પર સ્ટેશન બનાવવું રહેતું હતું. હવે આ નિયમ ખત્મ કરી દેવામાં આવ્યો છે. તમે કોમર્શિયલ અથવા પ્રાઈવેટ કોઈ પણ જમીન પર ચાર્જિગ સ્ટેશન બનાવી શકો છો. આ પગલાના લીધે ઈલેક્ટ્રિક ચાર્જિગ સ્ટેશન ખોલવુ પહેલા કરતા સરળ થઈ ગયું છે અને આવા પોઈન્ટ ખોલીને તમે વધારે કમાણી કરી શકો છો.
ચાર્જિગ ટાવર બે પ્રકારના હોય છે- એસી અને ડીસી. ડીસી ચાર્જર ફાસ્ટ ચાર્જિગ માટે હોય છે અને તેની કિંમત એસી ચાર્જરથી વધારે હોય છે. ડીસી સીસીએસ 50 કિલોવોટનું ચાર્જર લગભગ 15 લાખનું આવે છે. કેડેમો 50 કિલોવોટનું ચાર્જર છે, જેની કિંમત પણ 15 લાખની આસપાસ છે. આ પણ ડીસી ચાર્જર છે. એસી ચાર્જર ખુબ જ સસ્તુ હોય છે, જેમાં ટાઈપ-2 22 કિલોવોટનું ચાર્જર હોય છે, જેની કિંમત 1.25 લાખ રૂપિયાની આસપાસ છે. આ ત્રણેય ફાસ્ટ ચાર્જરની કેટેગરીમાં આવે છે.