પાટણના ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામના ખેડૂત પટેલ નવટરભાઈએ પરંપરાગત ખેતી છોડી બે વિઘામાં ઓર્ગેનિક આમળાની ખેતી શરૂ કરી હતી. આમળામાંથી હવે તેમને છ ગણી વધુ આવક એટલે કે, વર્ષે 1.20 લાખની કમાણી થઈ રહી છે.
ચાણસ્માના મંડલોપ ગામે રહેતા પટેલ નટવરભાઈ થોડા વર્ષો પહેલા સિઝન આધારિત ખેતીની સાથે બે વિઘા જમીનમાં સાદા આમળાનું વાવેતર કરતા હતાં. પરંતુ, તેમાં કોઈ સારી કમાણી ન મળતાં પાટણ બાગાયતી વિભાગ તેમજ અન્ય અનુભવી લોકો દ્વારા ઓર્ગેનિક ખેતી તરફ વળવા માટે પ્રેરણા મળી હતી.ઉત્તર પ્રદેશની કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થયેલ એન.એ.-7 જાતના આમળાની ખેતી કરવાનું આયોજન કર્યું હતું.પોતાના ખેતરમાં બાગાયત વિભાગની મદદથી માર્ગદર્શન આધારે આમળાનું વાવેતર કરતાં ખેતી સફળ રહેતા સારી કમાણી કરી રહ્યા છે.
આમળાની ખેતી વિષે જણાવતાં નટવરભાઈએ કહ્યું કે, 1 વિઘામાં આમળાના 50 છોડ આવે છે. જેને 20*20ના અંતરે રોપવામાં આવે છે. આમળામાં ઘણી જાતો આવે છે, જેમકે, બનારસી,ચકૈયા,કંચન,ક્રિષ્ણા,આણંદ-1,આણંદ-2, NA-7 હોય છે.આમળા વર્ષમાં એક વખત આવે છે. આમળાનો 1 વિઘાનો ખર્ચ વાવણી વખતે 7500 રોપાનો ખર્ચ થાય ત્યારબાદ રોપાના ખાડા માટે 500 રૂપિયા અને છાણીયા ખાતરનો ખર્ચ 500 તથા એક વર્ષના પિયતનો ખર્ચ 500 એમ કુલ મળીને 9 હજારનો ખર્ચ થાય છે. આ ખર્ચ વાવેતરના વર્ષે જ થાય છે. પછી દર વર્ષે ખેડ ખાતર અને પાણીનો એમ કુલ 3 હજાર જેવો ખર્ચ થાય છે.
ખેડૂત નટવરભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, બે વિઘા જમીનમાં NA-7 જાતના આમળાનું વાવેતર કર્યું છે. જેમાંથી દર વર્ષે 200 મણ જેટલા આમળા આવે છે. તેમને બજારમાં વેચાણ કરવા જવું પડતું નથી. ઓર્ગેનિક આમળા હોવાથી સ્વાદમાં પણ ઉત્તમ હોય છે. એટલે સામેથી ગ્રાહકો ખેતર સુધી આવીને ઊંચા ભાવમાં લઈ જાય છે.