છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઢેબરપુરા ગામ પાસે ખેતરમાં દાટેલી પરણિત યુવતીને લઈ બનેલ ચકચારી બનાવમાં બોડેલી પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા મોટી સફળતા મળી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઢેબરપુરા ગામ પાસે એક કપાસના ખેતરમાં એક યુવાન કામગીરી અર્થે ગયો હતો. ત્યારે યુવાને ખેતરમાં હાડકા અને વાળ જોતા યુવાનને શંકા જતા યુવાને ખેતર માલિકને જાણ કરતા ખેતર માલિકે બોડેલી પોલીસ મથકે જાણ કરી હતી. જાણ થતાં અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોચ્યો હતો. અને પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે યુવતી ઢોર ચરાવવાનું કહી ઘરેથી નીકળી હોઈ યુવતી પરત પોતાનાં ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ યુવતીનો કોઈ પતો મળ્યો ન હતો. છેલ્લા 20-22 દિવસથી યુવતી ઘરે ન હોઈ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમજ યુવતીના પિતાના જણાવ્યા મુજબ યુવતીના લગ્ન ડભોઇના કારવણ ગામે પિયુષ તડવી સાથે થયા હતા.
સમગ્ર હત્યાના બનાવને લઈ બોડેલી પોલીસ મથકે મૃત રેખાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસ હરક્તમાં આવી હતી. અને હત્યાના કેસ અંગે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં મૃત રેખાનાં અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું પણ સામે આવ્યું છે. બનાવની હકીકત મુજબ સંખેડા તાલુકાના ફાફટ ગામે રહી મજૂરી કામ કરતો પ્રેમી અલ્પેશ તડવીની રેખા સાથે આંખ મળતા પ્રેમ સબંધ બંધાયો હતો. અને પ્રેમી અલ્પેશે રેખાને ભાગી જવાનું કહ્યું હતું. પરંતુ રેખાએ તેમ ન કરવાનું કહ્યું હતું. છેવટે પ્રેમી અલ્પેશે રેખાનો હત્યાનો પ્લાન ઘડી નાખ્યો હતો. ત્યારે ગત 20-22 દિવસો પહેલા સવારના 11 વાગ્યાની આસપાસ છેવટે પ્રેમીએ રેખાને ખેતરમાં બોલાવી શરીર સબંધ બાંધ્યો હતો. અને ત્યાર બાદ રેખાનું ગળું દબાઈ હત્યાને અંજામ આપ્યો હતો. ત્યાર બાદ થોડોક ખાડો ખોડી દાટી દીધી હતી. અને રાત્રીના સમયે પ્રેમીએ ફરી સ્થળ પર આવી ઉંડો ખાડો ખોદી રેખાને દાટી દીધી હતી.પોલીસ તપાસના અંતે પ્રેમીની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે ગણતરીના દિવસોમાં પ્રેમી અલ્પેશ તડવીની ધરપકડ કરી છે. તથા જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.